રિસિવિંગના સ્થળે વ્યવસ્થાનો અભાવ:ચીખલી તાલુકામાં ગ્રા.પં.ની ચૂંટણીના મતદાનની ટકાવારી આપવામાં અધિકારીઓ અસમર્થ રહ્યાં

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુથ પરથી આવેલા કવરોના પોટલા રઝળતા મ‌ળ્યાં

ચીખલી તાલુકામાં મામલતદાર અને ટીડીઓની નિગરાનીમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પૂરતી વ્યવસ્થાનો અભાવ મતદાન મથકો અને રિસીવિંગના સ્થળે પણ જોવા મળ્યો હતો. ચીખલી કોલેજ ઉપર સોમવારે વહેલી સવાર સુધી મતપેટીઓ રિસિવિંગ કરવાની પ્રક્રિયા ચાલી હતી. આ સ્થળે અલગ અલગ 18 ચૂંટણી અધિકારીઓના રિસિવિંગ સેન્ટર બનાવાયા હતા. હાલ કડકડતી ઠંડી અને ઝાકળ પણ પડતું હોય તેવી સ્થિતિમાં પણ આ સેન્ટરના મંડપો ઉપર કાપડ બાંધવાનું પણ અધિકારીઓને સૂઝ્યું ન હતું. ખુલ્લા જ મંડપો જોવા મળ્યા હતા.

આ ઉપરાંત બુથ પરથી વિવિધ કવરોના જે પોટલાઓ આવ્યા હતા, તે પણ ખુલ્લામાં જ રઝળતા જોવા મળ્યા હતા. તાલુકાના ઉચ્ચ અધિકારીઓને કોઈ ગંભીરતા જ નહીં હોય તેમ લાગી રહ્યું હતું. કેટલાક મતદાન મથકો અને રિસિવિંગના સ્થળે પણ વાહનો દૂર રાખી મતપેટીઓ લઈ જવાતી હોવાના પણ દૃશ્યો જોવા મળ્યા હતા. મોડીરાત સુધી રિસિવિંગ સ્થળે મહિલા કર્મચારીઓને પણ રોકવામાં આવતા કર્મચારીઓની સ્થિતિ કફોડી થઈ હતી.

કેટલાય મતદાન મથકો ઉપર બે-બે વોર્ડનું મતદાન રાખવામાં આવતા કલાકો સુધી લાંબી કતારમાં મતદારોએ ઉભા રહેવાની નોબત આવી હતી. કેટલાક મતદાન મથકો ઉપર કર્મચારીઓ માટે જમવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ન હતી. મતદાનના બીજા દિવસે એટલે કે મતદાનના કલાકો બાદ તાલુકાના ઉચ્ચ અધિકારીઓ મતદાનની ટકાવારી આપી શક્યા ન હતા અને ઓનલાઈન લઈ લેવાની મામલતદાર અમિત ઝડફીયા, ટીડીઓ હિરેન ચૌહાણ અને તાલુકા નાયબ મામલતદાર વકેરીયાએ સલાહ આપી હાથ ખંખેરી મુક્યા હતા.

તાલુકાની 61 ગ્રામ પંચાયતોમાં સરપંચપદ માટેના 196 અને વોર્ડ સભ્યના પદ માટે 1039 ઉમેદવારોનો ભાવિ ફેંસલો મંગળવારે મતગણતરીના દિવસે થશે. કોલેજમાં મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...