ખેડૂતોમાં રોષ:ચીખલી તાલુકામાં ડાંગરના ધરુની વાવણી માટે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

ચીખલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતીવાડીની વીજલાઈન મરામત નહીં કરાતા ખેડૂતોમાં રોષ

ચીખલી તાલુકામાં તાઉતે વાવાઝોડાના દસેક દિવસ બાદ પણ વીજ કંપની દ્વારા ખેતીવાડીની વીજ-લાઈન મરામત કરવામાં ન આવતા ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવાની નોબત આવી છે. થોડા દિવસ પૂર્વે તાઉતે વાવાઝોડાની અસર ચીખલી તાલુકામાં પણ જોવા મળી હતી. વાવાઝોડા દરમિયાન તીવ્ર ગતિ સાથેના પવન અને વરસાદમાં ખાસ કરીને ખેતીપાકોને મોટું નુકસાન થયું હતું.

આ ઉપરાંત વીજ લાઇનને પણ અસર થતા કેટલાક ગામોમાં ખેતીવાડીની વીજ લાઈનમાં વીજ પુરવઠો વીજ કંપની દ્વારા પૂર્વવત કરાયો નથી. આજે વાવાઝોડાના દસેક દિવસ વિતવા છતાં પણ ચીખલી, રાનકૂવા અને આંતલીયા સહિતની વીજ કચેરીના ઇજનેરો ખેતીવાડીની વીજ લાઈનની મરામત કરાવી શક્યા નથી. કેટલાય ગામોમાં ખેતીની વીજલાઈન ચાલુ નહીં થતાં ખેડૂતોને મુશ્કેલી વેઠવાની નોબત આવી છે. એક બાજુ વાવાઝોડામાં ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે બીજી બાજુ વીજ કંપનીના બેદરકારીભર્યા કારભારમાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

અરજી આપ્યાના છ દિવસ છતાં મરામત કરાઈ નથી
અમારા ગામમાં વાવાઝોડા બાદ તેની વીજ લાઈન ચાલુ કરાઈ નથી. ખેડૂતે અરજી આપ્યાના છ દિવસ વિતવા છતાં મરામત કરાઈ નથી. આ માટે આંતલિયા વીજ કંપનીના નાયબ ઈજનેર રજૂઆત કરતા તેમણે હાલ કામ ઘણું છે મરામત થાય તેમ નથી એવું જણાવ્યું હતું. > મુકેશભાઈ પટેલ, સરપંચ, ઘેકટી

વીજળીના અભાવે ડાંગરનું ધરું પણ વાવી શક્યા નથી
વીજ કંપનીની રાનકૂવા કચેરીમાં રજૂઆત કરવા છતાં વાવાઝોડાના 10 દિવસ બાદ પણ ચાલુ કરાયું નથી. વીજળીના અભાવે ડાંગરનું ધરું પણ વાવી શક્યા નથી. > છોટુસિંહ પરમાર, ખેડૂત, ખરોલી

​​​​​​​વીજલાઇન મરામતની કામગીરી ચાલુ જ છે
વાવાઝોડા બાદ ઠેર-ઠેર નુક્શાન થતાં ખેતીવાડીની વીજલાઇન મરામતની કામગીરી ચાલુ છે. હાલ મારી પાસે માણસો ઓછા છે. > એન.જી. પટેલ, નાયબ ઈજનેર, રાનકૂવા વીજ કંપની

અન્ય સમાચારો પણ છે...