ઘરને નુકસાન:ચીખલી પંથકમાં વરસાદથી 4 ઘર તૂટ્યાં તો 4માં નુકસાન

ચીખલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીખલીમાં બે ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત, હાલ કાવેરી નદીની સપાટી ઘટી 14 ફૂટે વહી રહી છે

ચીખલી પંથકમાં સતત છઠ્ઠા દિવસે મેઘમહેર યથાવત રહી હતી. વધુ બે ઇંચ વરસાદ સાથે સિઝનનો 42.84 ઇંચ વરસાદ નોંધાયો હતો. કાવેરી, ખરેરા સહિતની લોકમાતાઓમાં પાણીની સપાટીમાં ઘટાડો થતા રાહત થઈ હતી. જોકે સતત ચોથા દિવસે પણ 9 જેટલા માર્ગ પાણીમાં ગરક રહેતા વાહન વ્યવહાર બંધ રહ્યો હતો.

ચીખલી તાલુકામાં ઉપરાંત ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી કાવેરી, ખરેરા અને અંબિકા સહિતની લોકમાતાઓ અને સ્થાનિક કોતરોમાં પણ ઘોડાપૂરની સ્થિતિ રહેતા જનજીવન પણ પ્રભાવિત થયું હતું. આ દરમિયાન મંગળવારના રોજ વરસાદનું જોર ઘટતા ચીખલી કાવેરી નદીની સપાટીમાં ઘટાડો થઇ 14 ફૂટે વહી રહી હતી. ચીખલી તાલુકામાં વરસાદ વચ્ચે ગોડથલમાં ચીમન બાબુભાઇ પટેલ, ખરોલીમાં શરદભાઇ હળપતિ, બાલુભાઈ હળપતિના ઘરને નુકસાન થયું હતું.

મલવાડાના પટેલ ફળિયામાં પ્રકાશ બાલુભાઈ અને મહેશ બાલુભાઈ પટેલનું ઘર નમી જતા જોખમી બન્યું હતું. માંડવખડકના પટેલ ફળિયામાં મીનાબેન પટેલના ઘરનો પાછળનો ભાગ તૂટી પડ્યો હતો. રૂમલાના આંબાપાડામાં નાનુભાઈ પવારનું બિનરહેણાંકવાળુ ઘર જમીનદોસ્ત થયું હતું.

આ ઉપરાંત માણેકપોરના ખાડી ફળિયામાં અનિશભાઈ મુન્સીના ઘરની પજારી તૂટી પડી હતી. દેગામના દેસાઇ ફળિયામાં રહેતા રાકેશભાઈ રાઠોડના ઘરને નુકશાન થયું હતું. ઉપરાંત તાલુકાના ખાંભડા ગામના દેસાઈ ફળિયામાં વિનોદ પટેલના ઘર પર વૃક્ષ પડતા મકાનને મોટું નુકસાન થયું હતું. તાલુકામાં બપોરે 4 વાગ્યા સુધીમાં 2.44 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સિઝનનો કુલ વરસાદ 42.84 ઇંચ નોંધાયો હતો. બપોર બાદ વરસાદનું જોર ઘટ્યું હતું પરંતુ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ ચાલુ જ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...