ફરિયાદ:શિક્ષકો પાસેથી નાણાં ઉઘરાવવાના કેસમાં તપાસ પૂર્ણ, જવાબો રજૂ કરાશે

ચીખલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચતર પગાર ધોરણ માટે નાણા ઉઘરાવવાની અગાઉ ફરિયાદ થઇ હતી

રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા નવસારી જિલ્લાના શિક્ષકો પાસેથી ઉચ્ચતર પગાર ધોરણ માટે નાણા ઉઘરાવવાની ફરિયાદના તપાસ કરતા અધિકારીઓને 20મીએ નિયામક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે.

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા ઉચ્ચતર પગાર ધોરણના કામ માટે નવસારી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકો પાસેથી નાણાં ઉઘરાવ્યા હોવાની નિયામક સમક્ષ અવારનવાર જરૂરી આધાર પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.કે.રાવલ દ્વારા આગામી 20મી ઓકટોબરે 12:00 વાગ્યે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ડીપીઇઓ સહિત તપાસ કરતા અન્ય 13-જેટલા અધિકારીને ઉપસ્થિત રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. જિલ્લાના પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા ઉચ્ચતર પગારધોરણના કામ માટે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકો પાસેથી નાણાં ઉઘરાવવામાં આવ્યા હોવાની માર્ચ, જૂન, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં અવારનવાર લેખિત રજૂઆત કરવામાં આવતાં આખરે નિયામક દ્વારા ચીખલી,ખેરગામ, વાંસદા,જલાલપોર,નવસારી સહિતના તમામ તાલુકામાં અન્ય જિલ્લાના અધિકારીઓને તપાસ સોંપી 20મીએ ઉપસ્થિત રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. જેને લઇને સમગ્ર નવસારી જિલ્લા શિક્ષણ આલમમાં ભારે ખળભળાટ મચી ગઇ છે. લાંબા સમયથી આ વાત ચર્ચાનો વિષય બન્યો હતો. હવે તપાસ સોંપાતા યોગ્ય નિરાકરણની શક્યતા છે. ઉચ્ચતર પગાર ધોરણ માટે ત્રણથી પાંચ હજાર રૂપિયા સુધીની રકમ કેટલાક આગેવાનો ઉઘરાણી કરી હોવાની ફરિયાદ ઉઠી હતી.

ફિક્સ કરાયેલી એજન્સી સાથે જ કારભાર કરાવી મોટા બીલો પધરાવવાની બૂમરાણ
ઉચ્ચતર પગાર ધોરણ નિદાન કસોટીના પેપરની ઝેરોક્ષ ફાયર સિલિન્ડર રીપેરીંગ કરાવવા સહિતનાં કામોમાં અધિકારી દ્વારા ફિક્સ કરાયેલી એજન્સી સાથે જ કારભાર કરાવી મોટા બિલો પધરાવી નાણાં ખંખેરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે.

નિયામક દ્વારા તપાસ સોંપવામાં આવી છે
નવસારી જિલ્લામાં ઉચ્ચતર પગાર ધોરણના કામ માટે શિક્ષકો પાસે નાણાં ઉઘરાવવા બાબતે આધાર પુરાવા સાથે નિયામક કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે નિયામક દ્વારા તપાસ સોંપવામાં આવી છે. > દીપેશભાઈ ભગત, મહામંત્રી, નવસારી જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ

અન્ય સમાચારો પણ છે...