પરિણામ જાહેર:આમધરા અને ખુડવેલમાં વોર્ડ સભ્યમાં ટાઇ, ચિઠ્ઠી ઉછાળાઇ

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીખલીમાં 61માંથી 31 ગ્રા.પં.ના પરિણામ જાહેર
  • મતગણતરીના સ્થળે ભારે મેદની ઉમટી પડતા ટ્રાફિક જામ

ચીખલી તાલુકાની 61 ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીમાં સાંજ સુધીમાં 31 જેટલી ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા હતા. જાહેર થયેલા પરિણામમાં કહીં ખુશી કહીં ગમ સાથે વિજેતા ઉમેદવારોના સમર્થકોએ ડી.જે સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા.ચીખલી કોલેજ ઉપર મતગણતરીના સ્થળે ભારે મેદની ઉમટી પડતા ટ્રાફિક જામ થવા સાથે પોલીસને પરસેવો પડ્યો હતો. આમધરા અને ખુડવેલમાં વોર્ડ સભ્યમાં ટાઈ સર્જાતા ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરાયુ હતું.

ચીખલીની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કુલ 18 જેટલા મતગણતરી કેન્દ્રો ઉપર મતગણતરી નિયત સમય કરતાં મોડી શરૂ કરાઇ હતી. આમધરામાં વોર્ડ નંબર-8મા બંને ઉમેદવારોના 171-171 જેટલા સરખા મત થતા ટાઇ સર્જાઈ હતી. જેમાં ચૂંટણી અધિકારી દ્વારા ચિઠ્ઠી ઉછાળવામાં આવતા મિતેશભાઈ રણછોડભાઇ પટેલ અને ખુડવેલના વોર્ડ નં-1માં પણ બે ઉમેદવારના 50-50 સરખા મત થતા તેમાં લતાબેન જીજ્ઞેશભાઈ પટેલનો વિજય થયો હતો.

મલવાડા ગામમાં સરપંચ તથા અન્ય સભ્યો બિનહરીફ થયા બાદ માત્ર વોર્ડ નંબર-4ની ચૂંટણી યોજાતા પૂર્વ ડેપ્યુટી સરપંચ પરવતભાઈ પટેલના પત્ની તેજસ્વીની બેનનો 12 મતે વિજય થયો હતો. ચીખલીમાં મતગણતરીમાં પણ અધિકારીઓ વચ્ચે યોગ્ય તાલમેલના અભાવે ઉમેદવારો અને તેમના સમર્થકો કલાકો સુધી અટવાયા હતા.વંકાલ સહિતના કેટલાક ગામોના ઉમેદવારોને અપાયેલ સમયમાં અચાનક ફેરફાર કરી દેવાતા ઉમેદવારો અને સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...