તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આધુનિક ખેતી:ઘેજ બીડના ખેડૂતે સુરણની ખેતીમાં આધુનિક પદ્ધતિનો અમલ કરતા મબલક ઉત્પાદનની આશા

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણદેવીના ચેતન પટેલે કૃષિ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ ટપક પદ્ધતિ અપનાવી હતી

ચીખલી તાલુકાના ઘેજ-બીડ ગામના ખેડૂત દ્વારા સુરણની ખેતીમાં આધુનિક પદ્ધતિનો અમલ કરતા મબલખ ઉત્પાદનની આશા સેવાઈ રહી છે. ચાર માસના સમયગાળામાં જ છોડની ઊંચાઈ 6 ફૂટથી વધારે થવા સાથે ગાંઠ સાડા ચાર કિલોગ્રામની નીકળવા પામી છે. ચીખલી તાલુકાના ઘેજ બીડ ફળિયા વિસ્તારમાં પાટીદાર ખેડૂત અગ્રણી અને ગણદેવી સુગરના પૂર્વ ડિરેકટર ચેતનભાઈ પટેલ દ્વારા તેમના પિતા ગોવિંદભાઇ ખુશાલભાઈ અને કૃષિ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ 7 વીઘા જમીનમાં ટપક પદ્ધતિથી સુરણની ગાંઠ રોપી હતી.

ખેતરમાં શેરડી કપાઈ ગયા બાદ શણનો લીલો પડવાશ ઓર્ગેનિક ખાતર તરીકે કામ કરતો હોય છે. શણનો પડવાશ કર્યા બાદ તેમને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ સુરણની ગાંઠ બબ્બે ફૂટના અંતરે રોપી હતી. ચાસ પણ પોણા ચાર ફૂટના મોટા કરવામાં આવ્યાં હતા. બીજી તરફ સિંચાઈ માટે ટપક પદ્ધતિનો અમલ કરતા નિંદામણ પણ નહિવત થતું હોય છે. બીજી તરફ વીજળી અને પાણીનો બચાવ થાય છે. જેને લઈને ખર્ચમાં પણ મોટી રાહત થતી હોય છે. આ સાથે જરૂરિયાત મુજબનું પાણી મળતા ઉત્પાદન પણ સારું મળતું હોય છે.

ખેડૂત અગ્રણી ચેતનભાઈ દ્વારા ચીલાચાલુ ખેતીની પદ્ધતિના સ્થાને આધુનિક પદ્ધતિનો અમલ કરાતા ચાર માસના ગાળામાં જ સુરણની ગાંઠનું વજન સાડા ચાર કિલોગ્રામની આસપાસ મળી રહ્યું છે. જેને લઈને સારા ઉત્પાદનની આશા સેવાઈ રહી છે. ચેતનભાઈના પિતાનો પહેલેથી જ ખેતીમાં ખૂબ રુચિ ધરાવવા સાથે આધુનિક ખેતીના આગ્રહી છે. જેથી તેમના માર્ગદર્શન હેઠળ ચેતનભાઈએ સુરણની ખેતીમાં આધુનિક પદ્ધતિ અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ થયા છે. જોકે સારા ઉત્પાદન સાથે ભાવ પણ સારા મળે તે જરૂરી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા પૂરતા પ્રમાણમા ફાયદો થતો નથી.

ટપક પદ્ધતિ દ્વારા સુરણની ખેતી કરી છે
ટપક પદ્ધતિ દ્વારા સુરણની ખેતી કરી છે અને હાલની સ્થિતિ જોતા એક વીઘા દીઠ 30થી 35 ખાડી જેટલા સુરણનું ઉત્પાદન થશે. આ ખેતરમાં શેરડીનું પણ વીઘાદીઠ 65 ટન જેટલું ઉત્પાદન લીધું હતું. - ચેતન પટેલ, ખેડૂત અગ્રણી, ઘેજ-બીડ

અન્ય સમાચારો પણ છે...