અમૃત મહોત્સવ:ગાંધી વિચારને મારી શકાય નહીં : ડો. કાળુભાઈ ડાંગર

ચીખલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝવેરચંદ મેઘાણી 125મી જન્મ જયંતી નિમિત્તે રાનકૂવાની સ્કૂલમાં વાર્તાલાપ

સયાજી વૈભવ લાઇબ્રેરી અભિપ્રેરિત આઝાદીનો અમૃત મહોત્સવ અને ઝવેરચંદ મેઘાણી 125મી જન્મ જયંતી અવસરે બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિર રાનકૂવામાં વિદ્વાનોના વક્તવ્યો અંતર્ગત કાળુભાઈ ડાંગર દ્વારા દાંડીયાત્રા વાર્તાલાપ યોજાયો હતો. છેલ્લા એક દાયકાથી આઝાદીના પ્રવેશદ્વાર દાંડી ગામ અને આજુબાજુના ગામો તથા જિલ્લામાં સ્વચ્છતા પર્યાવરણ અને ગાંધીવિચાર પ્રચાર અને પ્રસાર કરતા કાળુભાઈ સમાજ વૈજ્ઞાનિક છે. એમણે મીઠાના સત્યાગ્રહની વાતો વિદ્યાર્થીઓને કરી હતી.

દાંડીયાત્રાને વાર્તા સ્વરૂપે સરળ ભાષામાં દક્ષિણ ગુજરાતના સ્વાતંત્રસેનાનીઓને યાદ કરી તેમનું યોગદાન આઝાદીના અમૃત મહોત્સવ વખતે વાગોળવાની જરૂર છે તેમ જણાવ્યું હતું. એમના મતે ગાંધીજી શાશ્વત છે. ગાંધી વિચારને મારી શકાય નહીં. ગાંધીજીના વિચારોને બાળકો સુધી પહોંચાડવાનો કાળુભાઇ ડાંગરે પ્રયાસ કર્યો હતો. બાળકોએ પણ ગાંધી વિચારોમાં અભિભૂત થઇને તેમને સાંભળ્યા હતા. તેમણે સયાજી વૈભવ લાયબ્રેરી દક્ષિણ ગુજરાતની પરબ છે તેનો ભરપૂર ઉપયોગ વિદ્યાર્થીઓ કરે તે જ મહાદેવભાઈ દેસાઈને સાચી કર્માંજલી છે. જિલ્લાના તમામ બાળકોએ લાયબ્રેરીનો શક્ય તેટલો ઉપયોગ કરી પોતાની જ્ઞાન પિપાસા સંતોષ કરવા ઉપયોગ કરવો જોઇએ તેવું પણ જણાવ્યું હતું.

શાળાના આચાર્ય સંજયકુમાર પરમારે આવી જ્ઞાનગોષ્ઠી વિદ્યાર્થીના જીવન ઘડતર માટે ઉપયોગી છે તેમ જણાવી પ્રવૃત્તિ કન્વિનર રત્નદીપભાઈને અભિનંદન આપ્યા હતા. શાળામાં ઝવેરચંદ મેઘાણીના શૌર્ય ગીતો, ભાવવાહી પઠન, પુસ્તક વાર્તાલાપ, પોસ્ટર પ્રદર્શન અને વિદ્વાનોના વક્તવ્ય જેવા અનેક કાર્યક્રમ દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તેમ નિરીક્ષક ગુલાબભાઈ માહલાએ આભારવિધિમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...