તપાસ:બલવાડા હાઈવે પર ટ્રકમાંથી રૂ. 17.64 લાખના દારૂ સાથે 2 ઝબ્બે

ચીખલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લામાં દારૂબંધીની સખતાઇ વધી છે

બલવાડા નેશનલ હાઈવે પરથી રેંજ આઈજીની પ્રોહિબિશન ડ્રાઇવ ટીમે કન્ટેનરમાંથી 17.64 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવર અને ક્લીનરને ઝડપી પાડી અન્ય ત્રણને ફરાર જાહેર કરી તપાસ હાથ ધરી હતી.

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેંજ આઈજીની પ્રોહિબિશન ડ્રાઇવ ટીમના એએસઆઇ જયકૃષ્ણદેવ દોલતસિંહ, જયેશભાઇ ગોવિંદભાઈ, જ્યેન્દ્રસિંહ હરિસિંહ, તાહિરઅલી શાહબુદ્દીન સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે દમણથી લીલા કલરની કેબિન તથા બોડીવાળું કન્ટેનર ટ્રક (નં એમએચ-43-યુ-4782)માં દારૂનો જથ્થો ભરી નેશનલ હાઇવે થઈ પલસાણા તરફ જનાર છે.

બાતમીના આધારે પ્રોહિબિશન સ્પેશ્યલ ડ્રાઇવની ટીમે બલવાડા ઓવરબ્રિજ ઉતરતા મુંબઈ-સુરત ટ્રેક પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળુ કન્ટેનર આવતા તેને રોકી તલાશી લેતા વિદેશી દારૂ તેમજ ટીન બિયરની નાની-મોટી 17580 બોટલ કિંમત રૂ. 17.64 લાખ મળી આવી હતી. પોલીસે દારૂ સહિત કન્ટેનર કિંમત 10 લાખ, ત્રણ મોબાઈલ કિં. રૂ.10500, રોકડા રૂ. 7000 મળી કુલ રૂ. 27,81,500નો મુદ્દામાલ કબજે કરી કન્ટેનર ચાલક મહમદ અનિશ મહમદ સઇદ કુરેશી (ઉ.વ. 24, મૂળ રહે. નરસિંગગઢ ગામ, જિ.પ્રતાપગઢ, યુપી) અને ક્લીનર અમિત સરોજ (ઉ.વ. 22) (મૂળ રહે. તૌકલપુર ગામ, યુપી)ને ઝડપી પાડ્યા હતા.

જ્યારે માલ ભરાવનાર પંકજ (રહે.દમણ), પંકજ સાથે એક્ટીવાની પાછળ બેસીને આવેલો અજાણ્યો શખસ તેમજ પલસાણામાં માલ લેવા આવનાર અજાણ્યો શખસને ફરાર જાહેર કર્યા હતા. બનાવની પ્રોહિ. સ્પેશ્યલ ડ્રાઇવ સુરતના હે.કો-ઓમપ્રકાશ રણબહાદુરસિંહે ફરિયાદ આપતા પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...