રાજીનામુ:કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યનું પક્ષમાંથી રાજીનામુ

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંગત કારણોસર કોંગ્રેસને રામ-રામ કરી દીધાનું જણાવાયું

સોલધરા ગામના કોંગ્રેસના યુવા અગ્રણી અને જિલ્લા પંચાયત પૂર્વ સભ્યએ કોંગ્રેસના પક્ષમાંથી રાજીનામુ આપી દેતા રાજકીય વાતાવરણ ગરમાયુ છે. જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યએ કોંગ્રેસના પક્ષમાંથી રાજીનામુ આપી દેતા કોંગ્રેસના આંતરિક ડખા સપાટી પર આવી ગયા છે.

ચીખલી તાલુકાના સોલધરા ગામના કોંગ્રેસ અગ્રણી શૈલેષભાઇ યુ.પટેલ જેઓ વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય કામગીરી કરી રહ્યાં હતા અને વર્ષ-2015મા તેઓ જિલ્લા પંચાયતની સમરોલી બેઠક પર કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના સભ્યપદે ચૂંટાઈ આવ્યા હતા. શૈલેષભાઇ પટેલ સમગ્ર તાલુકામાં યુવાવર્ગમાં ભારે લોકચાહના ધરાવે છે અને સમગ્ર વિસ્તારમાં એસ.યુ.પટેલના હુલામણા નામથી ઓળખાય છે. શૈલેષ પટેલ રાજકીય સાથે સામાજીક અને રમતગમત ક્ષેત્રે પણ સક્રિય હોય તેવામાં હાલ તેમણે જિલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો પ્રાથમિક સભ્ય છું.

હાલમાં મારા અંગત કારણોસર હું પક્ષમાં સક્રિય રહી મારી ફરજ અદા કરી શકું તેમ નહીં હોય કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. શૈલેષભાઇ પટેલે કોંગ્રેસને રામ રામ કરી દીધા છે અને અંગત કારણોસર રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું છે પરંતુ હકીકતમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ પોતાના તાલુકામાં જ કોંગ્રેસ આગેવાનો સાથે સંકલન રાખવામાં સદંતર નિષ્ફળ ગયા હોય તેમ લાગી રહ્યું છે.

હાલ ચૂંટણી ટાણે જ પક્ષના એક સક્રિય યુવા નેતાને સાચવી શકી નથી. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તાલુકાના આગેવાનોને એકજૂટ રાખવામાં નિષ્ફળ રહેતા તાલુકામાંજ તેમની નબળી કામગીરી અને આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. થોડા સમય પૂર્વે જિલ્લા કોંગ્રેસના પ્રમુખના પોતાના સાદકપોર ગામના સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પણ ભાજપ સમર્થિત પેનલનો વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...