તલાવચોરા ગામનો ખેડૂત પોતાની આગવી સૂઝબૂઝ અને મહેનતથી ઉનાળુ ડાંગરનું વીઘાદીઠ 110 મણથી વધુ વિક્રમી ઉત્પાદન મેળવી રહ્યો છે. તલાવચોરા ગામના પટેલ ફળિયાના ખેડૂત નટુભાઇની ખેતી પદ્ધતિની અન્ય ખેડૂતો પણ પ્રેરણા લઈ રહ્યા છે.
ચીખલી તાલુકાના તલાવચોરા ગામના પટેલ ફળિયામાં રહેતા ખેડૂત નટુભાઇ મોરારભાઈ પટેલ છેલ્લા ઘણાં વર્ષથી ઉત્તમ પ્રકારની ખેતી કરતા આવ્યા છે. તેઓ ડાંગરનો ચોમાસુ અને ઉનાળાનો એમ બે પાક લઈ રહ્યાં છે. કાવેરી નદીમાંથી એકાદ કિમીની પાઇપલાઇન દ્વારા તેમણે પોતાના ખેતરમાં સિંચાઇની વ્યવસ્થા કરી છે અને ચોમાસાનો પાક લઈ લીધા બાદ વાસાદીઠ એક કિલો શણબીનું વાવેતર કરી દેવામાં આવે છે. વીઘાદીઠ જમીનમાં ત્રણેક ટ્રેકટર જેટલું છાણીયું ખાતર અને શણબીથી જમીન તૈયાર કરી ઉનાળુ ડાંગરનું વાવેતર કર્યું હતું.
દોઢ વીઘા જેટલી જમીનમાં હાલ ડાંગરની જયા જાતનો પાક લહેરાઈ રહ્યો છે અને વીઘાદીઠ 110 મણથી વધુ ઉત્પાદન મેળવવાનો આશાવાદ નટુભાઇ સેવી રહ્યાં છે.ગત વર્ષે પણ ઉનાળુ પાકમાં તેમણે 110 મણ જેટલું વિક્રમી ઉત્પાદન મેળવ્યું હતું. ચોમાસુ પાકમાં તો આનાથી વધુ ઉત્પાદન તેઓ મેળવે છે. તેઓ ડાંગર સાથે ડાંગરના પુળીયાનું પણ વેચાણ કરી સારી આવક મેળવી રહ્યાં છે.
આ સાથે નટુભાઇ અને તેમના પત્ની નયનાબેન શાકભાજી અને પશુપાલનનો વ્યવસાય કરી સામાન્ય ભણતર ધરાવતા આ દંપતીએ પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણથી સજ્જ કરવા પણ દિવસ રાત એક કરી એક લક્ષ સાથે આગળ વધતા તેમના ત્રણ સંતાનો પૈકી નિરવભાઈ ડીજીવીસીએલમાં નાયબ ઈજનેર તો બીજો પુત્ર પ્રિયંકભાઈ બીઈ સિવિલ સુધીનો અભ્યાસ કરી ખાનગી ક્ષેત્રેમાં નોકરી કરે છે. જ્યારે તેમની દીકરી તન્વી બીએસસી નર્સિંગમાં ગુજરાત યુનિવર્સિટીમાં ચોથા ક્રમ મેળવી હાલ ચીખલીની રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.