સમસ્યા:નવસારી-ચેન્નાઇ હાઇવેમાં જમીન, મકાન-ઝાડના વળતર મુદ્દે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા વળતર ચુકવવા ​​​​​​​મુદ્દે હજી સુધી સ્પષ્ટતા ન કરાતા અસંતોષ ફેલાયો

ચીખલી તાલુકામાંથી પસાર થનાર સૂચિત નવસારી-ચેન્નાઇ હાઇવેમાં જમીન, મકાન, ઝાડ સહિતના વળતરના મામલે ખેડૂતો મૂંઝવણભરી સ્થિતિમાં છે. તંત્ર દ્વારા ખરેખર કેટલું વળતર ચૂકવવામાં આવશે તેની શરૂઆતથી જ સ્પષ્ટતા કરવામાં આવે તો અસંતોષનું પ્રમાણ ઘટવા સાથે વાંધા અરજીઓ પણ ઓછી આવવાની શક્યતા જણાઈ રહી છે.

નવસારી-ચેન્નાઇ ધોરીમાર્ગમાં જમીન સંપદાનની કાર્યવાહી માટે સરકાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ થતાની સાથે જ ખેડૂતોમાં ઉચાટ સાથે ચર્ચાનો વિષય બન્યો છે. તાલુકાના બોડવાંક, ટાંકલ, નોગામાં, વાંઝણા, કાકડવેલ, કુકેરી, માંડવખડક, રાનવેરીકલ્લા, સારવણી, સુરખાઈ સહિતના 10 ગામમાંથી પસાર થનારા આ હાઇવે માટે જમીન સંપાદન કરવા અર્થે સબંધિતો પાસે વાંધા અરજીઓ મંગાવવામાં આવી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં વળતર કેવી રીતે જમીન, ઘર, ઝાડ, બોર-કૂવા વગેરેનું વળતર કેટલું ચૂકવવામાં આવશે તેને લઈને અસરગ્રસ્તો મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાયા છે.

હાલ લગ્નની સિઝન પણ પૂરજોશમાં હોય આવા પ્રસંગોમાં પણ આજ ચર્ચાનો વિષય બન્યો છે. આ સ્થિતિમાં તંત્ર દ્વારા શરૂઆતથી જ જમીન, મકાન, ઝાડ વગેરેનું કેટલું વળતર ચૂકવવામાં આવશે તે અંગેની સ્પષ્ટતા કરવામાં આવે તો ખેડૂતોની મુંઝવણ દૂર થવા સાથે અસંતોષ પણ થઈ અને તેવામાં જમીન સંપદાનની કામગીરી પણ સરળતાથી પાર પડે તેમ લાગી રહ્યું છે. જોકે તંત્ર કેવો રૂખ અપનાવશે તે જોવું રહ્યું.

નોંધનીય છે કે સરકારના બુલેટ ટ્રેન અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેમાં સારા વળતર માટે ખેડૂતોએ લાંબી લડત ચલાવી સંઘર્ષ કરવો પડ્યો હતો. એક્સપ્રેસ-વેમાં તો ખેડૂતોના ભારે વિરોધ વચ્ચે ત્રણેકવાર જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની નોબત આવી હતી. બાદમાં સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની દરમિયાનગીરીથી બન્ને પ્રોજેક્ટોમાં ખેડૂતોને માતબર વળતર મળતા જમીન સંપાદનની કાર્યવાહી વેગવંતી બની હતી. આ સ્થિતિનું નિર્માણ નહીં થાય તે માટે પણ તંત્ર દ્વારા વળતરના મામલે જરૂરી સ્પષ્ટતા કરવામાં આવે તે આવકાર્ય રહેશે.

બુલેટ ટ્રેન, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે બાદ હવે નવસારી-ચેન્નાઇ ધોરીમાર્ગને પગલે લાખો વૃક્ષોના નિકંદનથી પર્યાવરણની ઘોર ખોદાશે. આંબા, ચીકુ સહિતના બાગાયતી ખેતી પાકો સાથે લીલાછમ નવસારી જિલ્લાના વિસ્તારમાં આ પ્રોજેક્ટોમાં સંખ્યાબંધ વૃક્ષોના નિકંદનથી પર્યાવરણને વિપરીત અસર થશે.

અન્ય સમાચારો પણ છે...