ચીખલી તાલુકામાં હાલ દીપડાનો ત્રાસ વધી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ ચારથી વધુ મૂંગા પશુઓના શિકાર કરતા ખેડૂતો સહિત સ્થાનિકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ તાલુકાના કેટલાક ગામોમાં જંગલી ભૂંડોના ત્રાસથી ખેડૂતોના ઉભા પાક શેરડી તેમજ શાકભાજીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
ચીખલી તાલુકાના ખરોલી ગામના પહાડ ફળિયા સહિતના આજુબાજુના વિસ્તારમાં ભૂંડનો ત્રાસ વધી જતા ખેડૂતોના ખેતરમાં રાત્રિના સમયે તેમજ દિવસ દરમિયાન પ્રવેશ કરી ખેડૂતોના ઉભા પાકને કોતરી નાંખતા ખેડૂતોએ આર્થિક નુકસાન વેઠવાની નોબત આવી છે.
ખરોલી ગામના પહાડ ફળિયામાં રહેતા ખેડૂત ખાતેદાર હસમુખભાઈ મગનભાઈ પટેલ મંગળવારની સવારના સમયે ખેતરમાં શાકભાજીના પાકને દવાનો છંટકાવ કરી રહ્યા હતા. તે દરમિયાન 5થી 6 જંગલી ભૂંડોના ટોળુ ધસી આવી તેમના ઉપર હુમલો કરી જમીન પર પટકાવતા કમરના ભાગે તેમજ શરીરે ઇજા થતાં પ્રથમ સારવાર અર્થે અનાવલ અન ત્યારબાદ ચીખલી હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે સુરત ખસેડાયો હતો. જ્યારે ખરોલી ગામે જ રહેતા કનુભાઈ છગનભાઇ પટેલ ખેત મજૂરી કરી રહ્યા હતા.
દરમિયાન પાછળથી આવેલા જંગલી ભૂંડોએ હુમલો કરતા તેમને પગના ભાગે ઇજા કરતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જંગલી ભુંડોના આંટાફેરા વધી જતાં ખેડૂતોએ પોતાનો ઉભા પાકને સાચવવા રાત્રિ દરમિયાન ઉજાગરા કરવાની નોબત વર્તાય રહી છે. હાલ જંગલી ભૂંડો દ્વારા ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન કરતા ખાતર, બિયારણ અને દવા પાછળનો ખર્ચ અને મહેનત માથે પડી રહી છે. જંગલી ભૂંડો ખેડૂતોના પાકને નષ્ટ કરતા ખેડૂતોએ આર્થિક નુકસાન વેઠવાની નોબત આવી છે.
વન િવભાગ સહિત તંત્ર ખેડૂતની મદદે આવે તે જરૂરી
ખરોલી સહિત તાલુકાના કેટલાક ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ વધી ગયો છે. વાતાવરણમાં સતત બદલાવ આવતા ખેડૂતોએ પોતાનો પાક બચાવવા કમર કસી રહ્યા છે ત્યારે વન વિભાગ સહિત વહીવટી તંત્ર ખેડૂતોની મદદે આવે ખેડૂતોના ઉભા પાકને ભૂંડોથી રક્ષણ મળે એ તરફ કામગીરી હાથ ધરે એ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.