મેઘરાજાનું આક્રમક સ્વરૂપ:ચીખલી પંથકમાં ભારે વરસાદને પગલે 9 માર્ગ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ થયો

ચીખલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મલિયાધરા અને ચીમલા ગામે ઘરની છત ધરાશાયી થતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો, માર્ગો પર વૃક્ષ ધરાશાયી

ચીખલી પંથકમાં શુક્રવારે 4 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં 6.08 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને પગલે કાવેરી, અંબિકા, ખરેરા સહિતની લોકમાતાઓ બંને કાંઠે વહેતી થઈ હતી. ભારે વરસાદને પગલે ચીખલી પંથકના વિવિધ વિસ્તારના 9 માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જ્યારે મલિયાધરા અને ચીમલા ગામે ઘરની છત ધરાશાયી થતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. શુક્રવારે વહેલી સવારથી મેઘરાજાએ આક્રમક સ્વરૂપ ધારણ કરતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

ચીખલી અને ઉપરવાસમાં મેઘરાજા મન મૂકીને ઓળખતા તાલુકામાંથી પસાર થતી કાવેરી, ખરેરા અને અંબિકા સહિતની લોકમાતાઓમાં બંને કાંઠે વહેતી થઈ હતી. ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીની સપાટીમાં ગણતરીના કલાકોમાં વધારો થતા ગોલવાડ અને તળાવ તરફથી જુનો લો લેવલ કોઝવે પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઉપરાંત આમધરા-મોગરાવાડી સ્થિત ખરેરા નદીનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતાં પીપલગભાણ-મોગરાવાડી માર્ગ બંધ થઈ ગયો હતો.

આ ઉપરાંત ચીખલી-ફડવેલ મુખ્ય માર્ગ પર નાવણી નદીના પુલ ઉપર પાણી ફરી વળતા તાલુકા મથકથી સારવણી, અંબાચ, કાકડવેલ સહિતના ગામોનો સીધો સંપર્ક કપાઈ ગયો હતો. આ ઉપરાંત વાંસદા તાલુકાના લીમઝર, વાંદરવેલા સહિતના ગામોનો પણ સંપર્ક તૂટતા એસટી બસો પણ ફડવેલથી જ રવાના કરવામાં આવી હતી. જેને લઈને અનેક લોકો હાલાકી વેઠવાની બાબત આવી હતી. તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે ચીમલામાં મકાનની પતરાવાળી છત અચાનક જ ધરાશાયી થતા ઘરમાં પાલીબેન ઝીણાભાઈ પટેલને માથાના ભાગે ઇજા થતાં સારવાર લેવાની ફરજ પડી હતી.

આ ઉપરાંત મલિયાધરાના કૂવા ફળિયામાં સુષ્માબેન શૈલેષભાઈ પટેલના નળિયા અને સિમેન્ટના પતરાવાળી છત અચાનક કકડભૂસ થતા ભરચોમાસે પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. ચીખલી તાલુકાના ફડવેલ ગામે મુખ્ય માર્ગ પર આવેલા તળાવની ઉનાળામાં ઉંડું કરવા માટે પાળ તોડ્યા બાદ માટી પુરાણ કરી બંધ નહીં કરાતા ભૂતિયા ટેકરા ફળિયાના ઘરોની આજુબાજુમાં પાણી ફરી વળતા અને ઘરમાં ઘૂસી જવાની સ્થિતિ સર્જાતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા.

આ વિસ્તારમાં પીએચસીના કેમ્પસમાં પણ પાણી ભરાયા હતા. તાલુકાની વિવિધ વિસ્તારમા સ્થાનિક કોતરો પરના કોઝવે પાણીમાં ગરકાવ થવા સાથે ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી હતી. તાલુકામાં બપોરે 4 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં 6.08 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં નોંધપાત્ર વરસાદ દિવસ દરમિયાન જ પડ્યો હતો. સવારે 8થી 10 કલાક દરમિયાન તો મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં બે કલાકમાં જ 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. તાલુકામાં આ સાથે સિઝનનો કુલ 24.52 ઇંચ નોંધાયો હતો.

વાંસદા તાલુકામાં 12 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો
વાંસદા તાલુકામાં શુક્રવારે સવારે 6 કલાકે શરૂ થયેલ ધોધમાર વરસાદ સાંજના 6 વાગ્યા સુધી 164 મિ.મી (6.56 ઈંચ) હવામાન કચેરીએ નોંધાયો હતો. વાંસદા પાટા ફળિયા થઈને ચારણવાડાને જોડતા રસ્તા વચ્ચે આવેલી નદીના પુલ ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ રહ્યો હતો. વાંસદા પોલીસ સ્ટેશન નજીક મેઈન રોડ હાથીખાના પાસે ગટર બંધ થતાં રોડ પર પાણી ભરાતા વાહનચાલકો-રાહદારીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વરસાદને લઈન સમગ્ર તાલુકાના નદી-નાળા અને કોઝવે છલકાયા હતા.

અંબિકા નદી પરનો દેવધા ડેમ છલકાયો
ગણદેવીમાં શુક્રવારે સાંજે પુરા થતા 24 કલાકમાં 3.24 ઇંચ (81 મિમી) વરસાદ વરસ્યો છે. મોસમનો 24.66 ઇંચ (592 મિમી) વરસાદ થયો છે. અંબિકા નદી પરના દેવધા ડેમમાં પાણીની આવક થતાં ડેમ છલકાયો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આકાશી ખેતી પર નભતા ખેડૂતોના શાકભાજી અને ડાંગરના પાકને જીવતદાન મળ્યું હતું.

ભારે વરસાદને પગલે બંધ થયેલા માર્ગો
પીપલગભણ-આમધરા-મોગરાવાડી રોડ, બામણવેલ-હરણગામ-દોણજા રોડ, ચીખલી-ફડવેલ-ઉમરકુઈ રોડ, તલાવચોરા-બારોલીયા પીપળા ફળિયા, તલાવચોરા ડેન્સા ફળિયા તેજલાવ રોડ, વેલણપુર-ગોડથલ રોડ, રૂમલા-નડગધરી રોડ, ચરી પ્રાથમિક શાળાથી ઉખડ ફળિયા રોડ બંધ થયા હતા.

બીલીમોરામાં બે સ્થળે વૃક્ષ ધરાશાયી
ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે બીલીમોરા દેવસર આયોજન નગર માર્ગ પર વૃક્ષ વીજ કંપનીના કેબલ ઉપર પડતા વીજપોલ તૂટી ગયો હતો. જેથી થોડા સમય માટે આ માર્ગે વાહન વ્યવહાર અટક્યો હતો. દેવસર ગ્રા.પં. અને વીજકર્મીઓએ કામગીરી હાથ ધરી પોલ દુરસ્ત કરી લાઈન ચાલુ કરી હતી. આંતલિયા GIDCમાં પણ વૃક્ષ વીજવાયર પર પડતા વીજપોલ પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...