આખરે મામલો થાળે પડ્યો:વાંઝણા નાયકીવાડ પ્રા.શાળાની મુલાકાતે જતા ડીપીઈઓ-ટીપીઈઓને લોકોએ ઘેર્યા

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ચ સુધીમાં બાંધકામ શરૂ કરી દેવાની બાંહેધરી આપતા આખરે મામલો થાળે પડ્યો

ચીખલી તાલુકાના વાંઝણા ગામની ઓરડાના અભાવે ચર્ચમાં ચાલતી નાયકીવાડ પ્રાથમિક શાળાની રૂબરૂ મુલાકાતે પહોંચેલા ડીપીઈઓ અને ટીપીઈઓને સ્થાનિકોએ ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરતા માર્ચ સુધીમાં ઓરડાનું બાંધકામ શરૂ કરી દેવાની બાંહેધરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. ઓરડા તોડી નંખાયાના બે વર્ષ બાદ પણ નવા ઓરડાનું બાંધકામ શરૂ નહીં થતા શાળા ચર્ચમાં ચાલતી હોવાના અખબારી અહેવાલ બાદ ડીપીઇઓ મુલાકાતે ગયા હતા.

વાંઝણા ગામના નાયકીવાડમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં ધોરણ-1થી 8મા 125 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ શાળાના ઓરડા બે વર્ષ પૂર્વે તોડી નંખાયા હતા, જેને 2 વર્ષ વિતવા છતાં ઓરડાનું બાંધકામ શરૂ નહીં થતા ધોરણ-6થી 8 એમ ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને ચર્ચમાં બેસાડવામાં આવી રહ્યાં છે.

આ અંગેના અખબારી અહેવાલ બાદ સોમવારના રોજ ઇન્ચાર્જ ડીપીઇઓ નવીનભાઈ, ટીપીઈઓ ગોવિંદભાઈ દેશમુખ, સર્વ શિક્ષા અભિયાનના ઈજનેર જશુભાઈ પટેલ સહિતનાએ વાંઝણા નાયકીવાડ પ્રાથમિક શાળાની રૂબરૂ મુલાકાતે ગયા હતા.

દરમિયાન મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થયેલા લોકોએ રીતસરનો તેમનો ઘેરાવો ઓરડા તોડી નંખાયાના આટલા સમય બાદ બાંધકામ કેમ શરૂ નથી કરાયું ? અમારી રજૂઆતો કેમ સાંભળવામાં આવતી નથી અને કામ ક્યારે શરૂ થશે તેની સ્પષ્ટતા કરવા અને લેખિત બાંહેધરીની માંગ કરી હતી. તેમણે તાલુકા પંચાયત સભ્ય નરેન્દ્રભાઈ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં માર્ચ સુધીમાં કામ શરૂ કરી દેવાની લેખિત બાંહેધરી અપાતા મામલો થાળે પડ્યો હતો.

4 ઓરડા મંજૂર થયા છે, ટેન્ડર પ્રક્રિયા 18 જાન્યુઆરીથી હાથ ધરાશે
વાંઝણા નાયકીવાડ પ્રાથમિક શાળામાં ગામલોકોને રૂબરૂ સાંભળવા માટે ગયા હતા. સ્થાનિકોમાં રોષ હતો પરંતુ આ શાળાના ચાર ઓરડા મંજૂર થયા છે. જેની ટેન્ડરની પ્રક્રિયા 18 જાન્યુઆરીથી હાથ ધરાવાની છે ત્યારે દોઢેક માસ પ્રક્રિયા બાદ માર્ચની શરૂઆતમાં બાંધકામ શરૂ થવાની શકયતા છે અને ગામલોકોને પ્રાથમિકતાના ધોરણે કામ ચાલુ કરાવવાની બાંહેધરી આપવામાં આવી છે. >નવિનભાઈ, ઈન્ચાર્જ ડીપીઈઓ

અન્ય સમાચારો પણ છે...