અકસ્માતનો ભય:ધોળીકૂવા ત્રણ રસ્તા પાસે ટ્રાફિક આઇલેન્ડના ભાગરૂપે પીપ ગોઠવાતા લોકોને મુશ્કેલી

ચીખલીએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ મકાન વિભાગ દ્વારા ધોળીકૂવા પાસેથી અન્ય જગ્યાએ ખસેડવા લોકોની માગ

સુરખાઈ અનાવલ રાજ્યધોરી માર્ગ પર કુકેરીના ધોળીકુવા સ્થિત ત્રણ રસ્તા પાસે પૂરતી જગ્યાનો અભાવ હોવા છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ પીપ ગોઠવ્યા છે. માર્ગ મકાન વિભાગને લોકોની સુવિધામાં કે મુશ્કેલીમાં વધારો કરવામાં રસ છે તે સમજાય એમ નથી.

ચીખલી-વાંસદા રાજ્યધોરી માર્ગને જોડતો સુરખાઈ-અનાવલ રાજ્ય ધોરીમાર્ગ સતત વાહન વ્યવહારથી ધમધમે છે. આ માર્ગ પર કુકેરીનો ધોળીકૂવા વિસ્તારનો વેપારી મથક તરીકે વિકાસ થઈ રહ્યો છે અને ધોળીકૂવાનું બજાર પણ ધમધમતુ રહે છે. આ ધોળીકૂવા સ્થિત ત્રણ રસ્તા પાસે માર્ગ મકાન વિભાગ દ્વારા હંગામી ટ્રાફિક આઇલેન્ડના ભાગરૂપે છેલ્લા બે મહિના પૂર્વે પતરાના પીપ ગોઠવાયા છે. આ જંકશન પરથી ધોળીકૂવા-બોડવાંક-ટાં કલ રોડ કે જે નેશનલ હાઇવે ને પણ જોડે છે.

આ ઉપરાંત ત્રણ રસ્તાના નજીવા અંતર પહેલા એક રસ્તો ચાંપલધરાના ચક્કરીયા તરફ જાય છે. આ સ્થિતિમાં આ માર્ગ ઉપર ટ્રાફિક ભારણ મોટાપાયે રહે છે ત્યારે ત્રણ રસ્તા પર માર્ગ મકાન દ્વારા ગોઠવાયેલા પીપ વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બન્યા છે.

આ સ્થળે પૂરતી જગ્યા નથી તો એક બાજુ મંદિર છે તો બીજી બે બાજુ શોપિંગ સેન્ટર છે તેવામાં કન્ટેનર જેવા લાંબા વાહનોના ચાલકોને તો પરસેવો પડી જતો હોય છે. માર્ગ મકાન વિભાગ દ્વારા લોકોની મુશ્કેલી દૂર કરવા કે પછી વધારવા માટે આ પીપો ગોઠવાયા છે કે શું તે લોકોને સમજાતું નથી. સ્થળની સ્થિતિ ચકાસ્યા વિના આ રીતે માર્ગ મકાન દ્વારા આડેધડ પીપ ગોઠવી દેવાતા વાહન ચાલકોમાં સતત અકસ્માતનો ભય​​​​​​​ સતાવે છે.

તંત્ર ને દબાણ દેખાતું નથી
સુરખાઈ અનાવલ માર્ગ પર ધોળીકૂવા ત્રણ રસ્તા પાસે માર્ગ મકાન વિભાગને દબાણ દેખાતું નથી. ત્રણ રસ્તા પાસે એક દુકાન-ઘરના માલિક દ્વારા માર્ગ મકાન આરસીસીની પાકી ગટરનું બાંધકામ કરી દેવાયું છે પરંતુ તે દબાણ માર્ગ મકાન વિભાગ દ્વારા દૂર કરાતું નથી. બીજી તરફ ત્રણ રસ્તા પર પીપ ગોઠવી દેવાયા છે ત્યારે માર્ગ મકાન વિભાગના અણધડ કારભારને પગલે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...