અસંતોષ:ફડવેલમાં વાસ્મોની નલ સે જલ યોજનામાં ગેરરીતિની ફરિયાદમાં ફેરતપાસની માગ

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજદારે તપાસના અહેવાલથી અસંતોષ વ્યક્ત કર્યો

ફડવેલમાં વાસ્મોની નલ સે જલ યોજનામાં ગેરરીતિની ફરિયાદમાં કાર્યપાલક ઇજનેરના તપાસણી અહેવાલમાં અસંતોષ વ્યક્ત કરી અરજદાર દ્વારા પ્રોજેકટ ડાયરેકટર સમક્ષ ફેરતપાસની લેખિત માંગ કરવામાં આવી છે. ચીખલી તાલુકાના ફડવેલ ગામે નલ સે જલ યોજનામાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફડવેલના નિરજકુમાર એમ.પટેલની મુખ્યમંત્રી સહિતનાને લેખિત ફરિયાદ કરી હતી. જેની તપાસમાં વાસ્મો યોજનાના કાર્યપાલક ઈજનેર દ્વારા નક્કર તપાસ કરવામાં નહીં આવતા આ તપાસણી અહેવાલ સામે નારાજગી વ્યક્ત કરી ફેરતપાસની માંગ કરવામાં આવી છે.

ફડવેલ ગામે 62 લાખની નલ સે જલ યોજનામાં ફેરતપાસની લેખિત માંગમાં જણાવ્યાનુસાર ગેરરીતિ અંગે મળેલ જવાબ અયોગ્ય છે અને વિગતો તદ્દન વિભિન્ન છે, જે જવાબ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. ટેન્ડરમાં જણાવેલ કામોમાં સ્થળ ફેરફાર કરવામાં આવ્યો છે અને બોરની પૂરતી ઊંડાઈ નહીં કરી બોરિંગમાં જે કેસિંગ પાઇપ નાંખવામાં આવેલ તેની ગુણવત્તા નબળી છે અને એસ્ટીમેટ મુજબ કામો થયા નથી. કામ નંબર-26મા નાથુ લક્ષ્મણના ઘર પાસે જે કામ બતાવેલ છે, તે ખરેખર ત્યાં થયા નથી. જેથી ફેરતપાસ કરવામાં આવે અને તે દરમિયાન અરજદારોને સાથે રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ફડવેલના નિરજકુમાર દ્વારા મુખ્યમંત્રીને અગાઉ લેખિત રજૂઆત કરાતા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તપાસની સૂચના અપાતા તપાસ તો હાથ ધરાઈ હતી પરંતુ ગેરરીતિ પર ઢાંકપીછોડો કરવા માટે ગોળ ગોળ અહેવાલ તૈયાર કરી તપાસનું માત્ર તરકટ કરી અરજદાર અને ઉચ્ચ અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હોય તેમ લાગી રહ્યું છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા યોગ્ય દિશામાં તપાસ કરી તેનો િનવેડો લાવવામાં આવે એવો અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...