રજૂઆત:ખેડૂતોને ભારે વરસાદથી થયેલા નુકસાનની સહાય ચૂકવવા માગ

ચીખલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન

ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને ચોમાસા દરમિયાન થયેલા નુકસાનનો સરવે કરી સહાય ચૂકવવા માંગ કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ તાલુકા કોંગ્રેસના આગેવાનો સલીમભાઈ પટેલ, મગનભાઈ, આઈ.સી.પટેલ, નિકુંજ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન પટેલ સહિતની ઉપસ્થિતિમાં ચીખલી તાલુકા મામલતદાર પ્રિયંકાબેન પટેલને આવેદનપત્ર પાઠવી રાજ્યના મુખ્યમંત્રીની કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે ચીખલી તાલુકામાં કૃષિ પાકોને ભારે નુકસાન થતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે.

આ વર્ષે ખરીફ પાકને વરસાદથી થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રી દ્વારા વિધાનસભા ગૃહમાં 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નવસારી જિલ્લામાં માત્ર એક જ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ અતિવૃષ્ટિથી અસરગ્રસ્તમાં ચીખલી તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેથી સરકાર દ્વારા નવસારી જિલ્લામાં માત્રને માત્ર એક જ તાલુકાનો સમાવેશ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તે શંકા ઉપજવે છે. ખેડૂતોને મદદ કરવામાં પક્ષાપક્ષી ન હોય શકે જેથી ખેડૂતોને લાભ મળે એવી રીતે ચીખલી તાલુકાના ગામોમાં સરવે કરી લાભથી વંચિત ન રહી જાય તેવા પગલાં ભરી ચીખલી તાલુકાના ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરી આ તાલુકાનો સામાવેશ ઉક્ત સહાય પેકેજમાં થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચીખલી અને વાંસદા પંથકમાં ચોમાસા દરમિયાન થયેલા વરસાદથી ખેતીના પાકમાં નુકસાન થવા છતાં સરકાર દ્વારા નાના ખેડૂતોને લાભ થાય તે માટે કાર્યવાહી કરે અને તે માટે ખેડૂતો માટે લોનની વ્યવસ્થા ઉભી કરે તે જરૂરી બન્યું હોય તેવું હાલના તબક્કે જણાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...