રજૂઆત:ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સામે કાર્યવાહી કરવાની માંગ

ધોળીકુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાદકપોર આવાસ પ્રકરણમાં નવો વળાંક, સત્તાધીશોને માનસિક ત્રાસ અપાતો હોવાની બૂમરાણ

સાદકપોર ગામે પ્રધાનમંત્રી આવાસ બાબતે ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા બદનામ કરી માનસિક ત્રાસ આપતા તેમની સામે કાર્યવાહીની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.ચીખલી તાલુકાના સાદકપોર ગામના સરપંચ આશાબેન હળપતિ, સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, હોદ્દેદારો, સભ્યો સહિતની ઉપસ્થિતિમાં ચીખલી પ્રાંત અધિકારી ડી.ડી.જોગીયા, ચીખલી તાલુકા મામલતદાર પ્રિયંકાબેન, તાલુકા વિકાસ અધિકારી હિરેનભાઈ ચૌહાણ, ચીખલી પીઆઇ ડી.કે.પટેલને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર સાદકપોર ગામના શૈલેષ નગીનભાઈ પટેલ જે હાલ ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કાર્યરત હોય જેમણે અવાર-નવાર જુદી જુદી રીતે રાજકીય અને વ્યક્તિગત દાવપેચ રમી વારંવાર ખોટી રીતે હેરાન પરેશાન કરતા આવ્યા હોય હાલ ગામમાં રમણભાઈના નામે પ્રધાનમંત્રી આવાસ મંજૂર થયા હોય જે મકાન બ્લોક નં. 2249વાળી જમીન એમના પોતાના હિસ્સા અને ભોગવટામાં આવેલી છે.

લાભાર્થીના બંને દીકરા અલગ ઘર નંબર અને મકાન બનાવી રહે છે. લાભાર્થીના કાચા ઘરનો નંબર 1016 પંચાયત દફતરે ચાલી આવેલી છે. જેથી મંજૂર આવાસ બ્લોક નં. 2249 જમીનમાં અલગથી બનાવેલા હોય નીતિનિયમ મુજબ આવાસના નાણાં લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. જેની જાણ ફરિયાદીને પૂરેપૂરી હોવા છતાં સરપંચ, તલાટી, તાલુકા પંચાયતના અધિકારીઓ ભેગા મળી નાણાંની ઉચાપત કરી હોવાના જુઠ્ઠા આક્ષેપો કરાયા તે બિલકુલ ગેરવ્યાજબી છે. જેથી કાર્યવાહી કરવા માંગ કરી છે.

ભ્રષ્ટાચારને ઉજાગર કરતા અટકાવવાનો પ્રયાસ
ટીડીઓએ આપેલા ડોક્યુમેન્ટના આધારે જ ફરિયાદ કરેલી છે. સક્ષમ છે તેને મકાન મળે છે અને જરૂરિયાતમંદને મળતું નથી. ગ્રામ પંચાયતનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા જતાં તે માટે અટકાવવા મારી વિરૂદ્ધ રજૂઆત થઈ હોય એમ લાગે છે. > શૈલેષભાઈ પટેલ, પ્રમુખ, ચીખલી તાલુકા કોંગ્રેસ

ગેરરીતિ થયાનું સ્પષ્ટ જણાઈ આવે છે
સાદકપોરમાં બ્લોક નંબર 2246માં માંગણી કરી 2249માં આવાસનું બાંધકામ કર્યું છે. ખોટું થયાનું ટીડીઓએ પણ ડીડીઓને કરેલા લેખિત રિપોર્ટમાં જણાવેલુ છે ત્યારે ગેરરીતિ થયાનું સ્પષ્ટ જણાઈ આવે છે. > સિદ્ધાર્થભાઈ દેસાઈ, પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...