સમસ્યા:મલવાડા-મજીગામ ફાટક પાસે સર્વિસ રોડના અધુરા કામથી જોખમ

ચીખલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંડરપાસ શરૂ કર્યાને સાત માસ છતાં કામના ઠેકાણા નથી

ચીખલીના મલવાડા-મજીગામ નેશનલ હાઇવે સ્થિત અંડરપાસ પર હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્યવહાર શરૂ કરાયાને સાત માસ જેટલો સમય વિતવા છતાં સર્વિસ રોડના ઠેકાણા નહીં હોવાથી વાહનચાલકોના માથે જોખમ યથાવત રહ્યો છે. હાઇવે ઓથોરિટીના બેદરકારીભર્યા વહીવટમાં મજીગામ-થાલા વચ્ચેની લંબાઇમાં વર્ષોથી સર્વિસ રોડનું કામ અદ્ધરતાલ રહ્યું છે.

દિવસ-રાત વાહન વ્યવહારથી ધમધમતા નેશનલ હાઈવે પર મલવાડા-મજીગામ ફાટકનો વિસ્તાર અકસ્માત ઝોન બની ગયો હતો. અને જે સમસ્યાના નિવારણ માટે સ્થાનિકોને વર્ષોજૂની માંગને ધ્યાનમાં લઇ હાઇવે ઓથોરિટી દ્વારા મલવાડા-મજીગામ ફાટક પાસે કરોડો રૂપિયાના ખર્ચે અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ અંડરપાસ વાહનચાલકો માટે ગત મે માસમાં જ ખુલ્લો મૂકી દેવાયો હતો. અંડરપાસ પર વાહન વ્યવહાર શરૂ કર્યાને સાતેક માસ વિતવા છતાં સર્વિસ રોડનું અધૂરું કામ કોઈક કારણોસર પુરું કરાયું નથી.

આજે સર્વિસ રોડના અધૂરા કામને પગલે અંડરપાસનો પૂરતો મતલબ નહીં રહેવા સાથે વાહનચાલકોના માથે જોખમની સ્થિતિ યથાવત રહી છે. નેશનલ હાઈવે પર મજીગામ થી થાલા વચ્ચેની લંબાઈ માં મલવાડા અંડરપાસ પાસે કાલાખાડી નજીક, કસ્તુરી ટ્રેડર્સ સહિતના વિસ્તારમાં વર્ષોથી સર્વિસ રોડ નું કામ અધૂરું છે અને જૈસે થે ની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે.

ખરેખર હાઈવે ઓથોરિટીએ સર્વિસ રોડના અધૂરા કામ પૂર્ણ કરવા આળસ ખંખેરવી જોઈએ. આમ તો નેશનલ હાઇવેનું વિસ્તૃતીકરણ કરીને સિક્સ લેન કરાયાને પણ ઘણા વર્ષો વિતી ગયા છે, તેમ છતાં સર્વિસ રોડની પૂર્ણ કરવામાં આવ્યો નથી. સત્તાધારી પક્ષના ચૂંટાયેલા નેતાઓની પણ નિષ્ક્રિયતા આ માટે જવાબદાર જણાઈ રહી છે.

હાઈવે પર વાહનોને રોંગ સાઈડે ચઢવુ પડે છે
થાલામાં કસ્તુરી ટ્રેડર્સ પાસે સર્વિસ રોડ અધુરો હોવાથી ચીખલી તરફ જવા હાઇવે પર રોંગ સાઈડે ચઢવું પડે છે. આવી સ્થિતિમાં રાત્રી દરમિયાન જોખમ વધી જતુ હોય છે ત્યારે સર્વિસ રોડની અધૂરી કામગીરીથી લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે. - અનિલભાઈ આહિર, થાલા

અન્ય સમાચારો પણ છે...