આગામી 21મી નવેમ્બરના રોજ નવસારી જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી સભા યોજવા માટે આવનાર હોય બુધવારના રોજ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, રાષ્ટ્રીય પ્રવકતા પવન ખેડા, પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકી, જિલ્લા કોંગ્રેસના અગ્રણી સિદ્ધાર્થભાઈ દેસાઈ, ગણદેવી અને વાંસદા વિધાનસભા બેઠકના ઉમેદવાર અશોક કરાટે, અનંત પટેલ તાલુકા કોંગ્રેસના ચીખલી, ખેરગામના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, શશીન પટેલ, જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ હેમાંગીનીબેન, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ અર્ચનાબેન સોલંકી સહિતનાની ઉપસ્થિતિમાં ચીખલી તાલુકાના ખુડવેલ અને વાંસદા તાલુકાની મુલાકત લીધી હતી.
રાહુલ ગાંધીની સભાથી ગણદેવી અને વાંસદા બંને વિધાનસભાની બેઠક ઉપર લાભ થાય તે રીતે ખુડવેલ જેવા કોઈ મધ્યના સ્થળે રાખવામાં આવે તેવો સૂર કોંગ્રેસી કાર્યકરોમાંથી ઉઠ્યો હતો. જોકે મંથન બાદ રાહુલ ગાંધીની સભાનું સ્થળ વાંસદામાં નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. ખુડવેલમાં કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ મીડિયા કર્મીઓ સાથેની વાતચીતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પર ચાબખા મારી આગામી ચૂંટણીમાં પરિવર્તન આવશે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તેવો દાવો વ્યક્ત કર્યો હતો.
ચીખલીના કોંગ્રેસ અગ્રણી સક્રિય થતા કાર્યકરોમાં નવો જોમ
ચીખલીના કોંગ્રેસ અગ્રણી સિદ્ધાર્થભાઈ દેસાઈ કે જે જિલ્લાના કદાવર નેતા હોવા સાથે રાજકરણના ચાણક્ય તરીકે ઓળખાય છે. તેઓ વિધાનસભાની ચૂંટણી ટાણે સક્રિય થતા કોંગ્રેસના કાર્યકરો ગેલમાં આવી ગયા છે અને કોંગ્રેસીઓમાં નવો જોમ અને ઉત્સાહ નો સંચાર થયો છે. છેલ્લા કેટલાક સમયથી સિદ્ધાર્થભાઈ દેસાઈ નિષ્ક્રીય જોવા મળ્યા હતા પરંતુ હાલ ફરી સક્રિય થતા કોંગ્રેસી કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.