ઘેજ ગામે હનુમાનજી મંદિર તરફ જતા માર્ગનું નવિનીકરણનો પ્રારંભ કરાતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ હતી. ઘેજ ગામે ખરેરા નદીના તટે સ્વયંભુ બિરાજમાન પંચમુખી હનુમાનદાદાના પૌરાણિક મંદિર તરફ જતો માર્ગ છેલ્લા કેટલાક વર્ષથી જર્જરિત બન્યો હતો. આ માર્ગ શ્રદ્ધાળુઓ ઉપરાંત ખેડૂતો માટે પણ ખૂબ ઉપયોગી હોય નવિનીકરણ માટેની માંગ કરાઈ રહી હતી.
આ દરમિયાન ગુરૂવારે કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય સેજલબેન, સરપંચ રાકેશભાઈ, ડેપ્યુટી સરપંચ ગૌરાંગભાઈ સોલંકી, શક્તિ કેન્દ્રના પ્રમુખ વિનોદભાઈ, પૂર્વ સરપંચ પદ્માબેન, ભાજપના મહિલા મોરચાના મહામંત્રી અનસૂયાબેન સહિતનાની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી આ માર્ગના નવિનીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી આ માર્ગના રિકાર્પેટની માંગણી હતી. જે સરકારની બે અલગ-અલગ યોજનામાં સાત લાખ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. આ દરમિયાન ગામના અન્ય વિકાસના કામોની પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાતમુહૂર્ત દરમિયાન પૂર્વ ડેપ્યુટી સરપંચ કમલેશભાઈ સહિતના અને સ્થાનિક પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.