અકસ્માત:ચીખલી-વાંસદા અને કલીયારી ચાર રસ્તે અકસ્માતમાં બેના મોત

ચીખલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર અડફેટે આલીપોરના અને બામણવાડાના શખસે જીવ ગુમાવ્યો

ચીખલી તાલુકામાં બે અલગ અલગ અકસ્માતના બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. ચીખલી તાલુકામાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ચીખલીના આલીપોર પાસે આવેલ જીઆરબી ક્વોરીમાં કામ કરતા લાજરસભાઈ કોલધા તેમના પિતા મોહનભાઇ કોલધા સાથે ઘરવખરીનો સામાન લેવા માટે સાંજના સમયે અઢારપીર ગયા હતા.

સામાન લઇ પરત ક્વોરી જતા રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા. દરમિયાન ચીખલીથી વાંસદા તરફ જતી આઈ-20 કાર (નં. જીજે-21-એએ-8233)ના ચાલકે પૂરઝડપે હંકારી લાવી રોડ ક્રોસ કરી રહેલા મોહન કોલધાને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. તેમને 108ની મદદે પ્રથમ સારવાર ચીખલીની સરકારી હોસ્પિટલમાં અને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવની લાજરસભાઇ મોહનભાઇ કોલધાએ ફરિયાદ કરતા પોલીસે કાર ચાલક વિરૂદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જ્યારે બીજા બનાવમાં બામણવાડા દેસાઈ ફળિયામાં રહેતા દિનેશભાઇ સુખભાઈ હળપતિ તેમની પત્ની ગીતાબેન હળપતિ સાથે બાઇક (નં. જીજે-21-ઇ-3538) લઈ ખુડવેલ ચાર રસ્તા પાસે શાકભાજી લેવા માટે ગયા હતા. જ્યાંથી પરત ઘરે જતી વખતે કલીયારી ચાર રસ્તા પાસે બામણવાડા રોડ તરફ વળતા હતા.

દરમિયાન રૂમલા તરફથી પૂરપાટ ઝડપે આવેલી કાર (નં. જીજે-21- સીસી-5272)ના ચાલકે તેમને અડફેટે લેતા બંનેને ઈજા પહોંચી હતી. બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે દિનેશભાઇ હળપતિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગીતાબેનને સારવાર હેઠળ છે. બનાવની જીતુભાઇ જયંતિભાઈ હળપતિ (રહે. બામણવેલ, દેસાઈ ફળિયા, તા.ચીખલી)એ ફરિયાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...