વ્યવસ્થા:ચીખલી તાલુકા પંચાયતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે બેઠક મળી

ચીખલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશાવર્કરથી લઈને મેડિકલ ઓફિસર સુધીના 589ને પ્રિકોશન ડોઝ અપાયા

ચીખલી તાલુકા પંચાયતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે બેઠક યોજાઇ હતી. તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ કલ્પનાબેન ગાવિતના અધ્યક્ષ સ્થાને પીઓકમ ટીડીઓ હિરેન ચૌહાણ, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવભાઈ બારોટ, મદદનીશ ટીડીઓ જીતુભાઇ, ભાજપના મયંકભાઈ સહિતની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરોગ્ય અધિકારી એ.બી.સોનવણેએ જણાવ્યું હતું કે તાલુકાની સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ મળી કુલ 250ની આસપાસ ઓક્સિજનવાળા બેડ ઉપલબ્ધ છે.

આ સાથે ઓક્સિજન પ્લાન્ટો પણ કાર્યરત છે અને સિલિન્ડરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં કોરોના માટે જરૂરી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ છે. જોકે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. વધુમાં ડો.સોનવણેએ જણાવ્યું હતું કે તાલુકામાં આશાવર્કરથી લઈને મેડિકલ ઓફિસર સુધીના 589 જેટલા તમામ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ ત્રીજો ડોઝ આપવાનું શરૂ કરાયું છે. પ્રમુખ કલ્પનાબેન ગાવિતે પણ સ્થાનિક આગેવાનો, સરપંચો, વોર્ડ સભ્યો સાથે સંકલન રાખી શરદી, ઉધરસ, તાવની બિમારી હોય તો તાકીદે આરોગ્ય કર્મચારીઓને જાણ કરવા અનુરોધ કર્યો હતો. ટીડીઓ હિરેન ચૌહાણે દરેક ગામમાં આઇસોલેશન સેન્ટરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હાલ તાલુકાની હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની પણ પુરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે. તાલુકામાં 11924 જેટલા વિદ્યાર્થીના રસીકરણના લક્ષ્યાંકની સામે 10907 વિદ્યાર્થીને રસી આપી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...