ક્રાઇમ:ચીખલી સહિત જિલ્લામાં છેતરપિંડી કરી કાર ચાઉં કરનારા ચીટરો ઝડપાયા

ચીખલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3 કાર મળી 41 લાખનો મુદ્દામાલ ઝડપી લેતી વડોદરા પોલીસ

નવસારી જિલ્લાના ચીખલી સહિતના તાલુકામાંથી તેમજ વલસાડ અને સુરત જિલ્લામાંથી લકઝરીયસ ગાડીઓ ભાડે લઈ પરત નહીં કરવાના કૌભાંડના સૂત્રધાર હેમિલ અને તેના સાથીની વડોદરા પોલીસે ધરપકડ કરી ત્રણ કાર મળી રૂ. 41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કૌભાંડમાં હજુ નીતનવા વળાંકો સાથે બીજી કડીઓ બહાર આવી રહી છે.

 ફેરવવાનું કહી લઈ જઈ પરત નહીં કરી છેતરપિંડી કરી
દક્ષિણ ગુજરાતમાંથી લકઝરીયસ ગાડીઓ વિશ્વાસમાં લઈ ભાડા પેટે રાખી પરત નહીં કરવાના કૌભાંડમાં અનેક કારમાલિકોએ માથે હાથ દઈ બેસવાનો વારો આવ્યો છે. અનેક કારમાલિકો જ્યારે વલસાડ તાલુકાના છરવાડાના હેમિલ પટેલને ભાડા પેટે આપેલી કાર પરત નહીં મળતા છેતરાયા હોવાના અહેસાસ થતા પોલીસમથકે અરજી કરી ગાડી મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ ગાડી કૌભાંડમાં ચીખલી તાલુકાના તેજલાવના રાજેન્દ્ર ચંપકલાલ ચૌહાણ દ્વારા વડોદરાની ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ફરિયાદમાં તેમની ક્રેટા કાર (નં. GJ-21-BC-6677) વિશ્વાસમાં લઈ હેમિલ ધર્મેશભાઈ પટેલ (રહે. છરવાડા, જિ. વલસાડ) લઈ ગયા બાદ પરત કરી નહતી. તેમના મિત્ર કલ્પેશ પટેલ (રહે. તેજલાવ)ની ઇનોવા કાર (નં. GJ-21-CA-9959) પણ હેમિલ પટેલ ફેરવવાનું કહી લઈ જઈ પરત નહીં કરી છેતરપિંડી કરી હતી. હાલ વડોદરા શહેર તેમજ જિલ્લામાં બનતા ગુના અને લકઝરીયુસ કારની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી ગુનાના ભેદ ઉકેલવા માટે પીસીબી પીઆઇના માર્ગદર્શનમાં ટીમ બનાવી આ ગુનાઓ બાબતે માહિતી એકઠી કરવાની કામગીરી કરવામાં આવી હતી. ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી કાર મેળવી પરત નહીં આપી ડુપ્લીકેટ કાગળો બનાવી બીજાને વેચી મારવાની ફરિયાદ અંતર્ગત ફરિયાદમાં સંડોવાયેલ હેમિલ પટેલ (ઉ.વ.21) અને હિમાંશુ ઉર્ફે ભોલુ દિલીપભાઈ અગ્રવાલ (ઉ.વ. 30, રહે. ગોરવા, વડોદરા શહેર)ની અટક કરી ત્રણ કાર કબજે લીધી હતી. હાલ તો આ ગાડી ચાઉ કરી જવાનું કૌભાંડનો આંક કરોડોમાં હોવાનો તેમજ અનેક કારમાલિકો ભેરવાયા હોવાનું હાલના તબક્કે જણાય રહ્યું છે.

ચાઉં કરેલી 1 કાર દારૂ હેરાફેરીમાં ઝડપાઇ
દક્ષિણ ગુજરાતના તાલુકામાંથી ભાડા પેટે અથવા વિશ્વાસમાં ગાડી લઈ પરત નહીં કરી ચાઉ કરાવાના પ્રકરણમાં ચીખલી તાલુકાના સાદકપોર ગામના શૈલેષ પટેલે એસયુવી ગાડી ખરીદી હતી અને જે દોઢ વર્ષ પહેલાં અન્ય વ્યક્તિને વેચી દીધી હતી. વેચાણે લીધેલ વ્યક્તિએ આ ગાડી હેમિલની ટોળકીને ભાડે પેટે આપી હતી, જે ભાડે આપ્યા બાદ આ કાર પરત જ આવી ન હતી. જ્યારે આજ કારમાંથી નંબર પ્લેટ દૂર કરી 4 લાખથી વધુના દારૂની હેરાફેરી કરતા શખ્સોને આલીપોર ઓવરબ્રિજથી સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યા હતા ત્યારે આ કૌભાંડમાં લકઝરીયુસ ગાડીઓ ભાડાપેટે કે વિશ્વાસમાં લઈ પરત નહીં કરી દારૂના હેરાફેરીમાં ધકેલી દેવામાં આવતી હોવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. આવનારા દિવસોમાં આ રેકેટ મોટુ સ્વરૂપ ધારણ કરશે તેવા સંકેતો જણાય રહ્યા છે.

હજુ 12 કારની શોધખોળ ચાલુ
વડોદરા પોલીસ દ્વારા નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લામાંથી ગાડી હડપ કરનારા શખ્સોની અટક કર્યા બાદ 3 લકઝરીયુસ ગાડીનો કબજો લીધો હતો. જો કે હજુ 12 જેટલી ગાડી બાબતે તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

કબજે કરાયેલો મુદ્દામાલ

1 હ્યુન્ડાઈ ક્રેટા કાર કિંમત 9 લાખ  2 ઇનોવા ક્રિસ્ટા રૂ. 32 લાખ મળી કુલ 3 ગાડીની કિંમત રૂ. 41 લાખ

દક્ષિણ ગુજરાતના પોલીસ મથકે પડેલી અરજીઓ બાબતે ફરિયાદ ક્યારે નોંધાશે?
આ ગાડી કૌભાંડમાં દક્ષિણ ગુજરાતના ચીખલી  સહિતના તાલુકામાં કારમાલિકો દ્વારા અરજીઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આ પોલીસ મથકોમાં અરજીઓ તપાસ ચાલુ હોવાની વાતો વચ્ચે ફાઈલોમાં જ કેદ છે ત્યારે આ અરજીઓ બાબતે ફરિયાદ ક્યારે નોંધાશે તે જોવું રહ્યું?

અન્ય સમાચારો પણ છે...