તપાસ:બામણવેલમાં ચોખાનો જથ્થો સગેવગે કરવાના કેસમાં આખરે સસ્તા અનાજની દુકાનનો પરવાનો રદ કરાયો

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જનતા રેડ બાદ જાગેલા વહીવટી તંત્રએ તાલુકામાં કેટલીયે દુકાનોમાં તપાસ હાથ ધરી, જો કે કશું વાંધાજનક ન જણાયું

ચીખલી તાલુકાના બામણવેલ ગામની સસ્તા અનાજની દુકાનમાંથી ચોખાનો જથ્થો સગેવગે કરવાનો ગ્રામજનો દ્વારા પર્દાફાશ અંગેના અખબારી અહેવાલ બાદ જાગેલા પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા ચીખલીના કેટલાક સ્થળોએ તપાસ હાથ ધરી હતી પરંતુ કઈ હાથ લાગ્યું ન હતું. બીજી તરફ બામણવેલની સસ્તા અનાજની દુકાનનો પરવાનો રદ કરી દેવામાં આવ્યો છે.

બામણવેલ ગામે સેવા સહકારી મંડળી સ્થિત સસ્તા અનાજની દુકાનમાંથી 30 ચોખાના કટ્ટા છોટા હાથી ટેમ્પોમાં ભરાતા જ સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ જાણ કરાતા પોલીસ અને પુરવઠા વિભાગનો સ્ટાફ પહોંચી જઇ ચોખાનો જથ્થો ભરેલ ટેમ્પાનો કબ્જો કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ સાથે ચીખલીમાં ખેરગામ રોડ સ્થિત કાવેરી નદીના પુલ પાસે ચીખલી કોલેજથી વસુધારા ડેરી રોડ સ્થિત એક સિરામિકની દુકાન પાસે આવેલ ગોડાઉનમાં ઉપરાંત ખૂંધ સહયોગ સોસાયટીવાળા વિસ્તારમાં એક કરિયાણાની દુકાન, ઘેજના છતરિયા વિસ્તારમાં એક ગોડાઉનમાં મોટાપાયે સરકારી અનાજના જથ્થાનો કાળો કારોબાર ચાલતો હોવાના અખબારી અહેવાલ બાદ જિલ્લા પુરવઠા અધિકારીએ ચીખલી કાવેરી નદી અને વસુધારા ડેરી રોડ સ્થિત ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી પરંતુ કશું હાથ લાગ્યું ન હતું.

જોકે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ પુરવઠા વિભાગનો થયો હતો.બામણવેલમાં દુકાનનો પરવાનો રદ કરવાથી સંતોષ માનવાના સ્થાને તટસ્થપણે મૂળ સુધી તપાસ કરી આ જથ્થો કોને અને ક્યાં પહોંચાડવાનો હતો તે હકીકત બહાર લાવી આ કાળા કારોબારીયાઓનો મુખ્ય ઠેકેદાર સામે ફોજદારી રાહે કાર્યવાહી થવી જોઈએ.

અનાજનો જથ્થો એકત્ર કરી અલગથી પેકિંગ કરી સગેવગે કરવાનો ગોરખધંધો ચાલતો હોવાની ચર્ચા
હકીકતમાં ચીખલી તાલુકામાં કેટલાક પરપ્રાંતિયો દ્વારા ગ્રામ્ય વિસ્તારની દુકાનોમાંથી સરકારી અનાજનો જથ્થો એકત્ર કરી ત્યાં અલગથી પેકિંગ કરી સગેવગે કરવાનો ગોરખધંધો પુરજોશમાં ધમધમી રહ્યો છે.આ જથ્થા માટે આ કાળા બજારીયાઓ પાસે બિલ પણ ઉપલબ્ધ જ હોય છે.

ભલે પછી એ બિલ બોગસ હોય પરંતુ કોઈ તપાસ આવે તો બિલ રજૂ કરી દેવામાં આવતું હોય છે. આ અંગેની જાણ તપાસકર્તાને પણ હોય જ છે પરંતુ આંખ આડા કાન કરવામાં આવતા હોય છે. ચીખલી પંથકમાં તો ત્રણેક જેટલા નામચીન બેરોકટોક ધોળા દિવસે કોઈપણ જાતના ડર વિના બિન્દાસ્ત અનાજના કાળા કારોબારને અંજામ આપતા હોય છે.

બીલ રજૂ કરાતા કોઇ શંકાસ્પદ ન હતું
બામણવેલની દુકાનનો પરવાનો રદ કરાયો છે. ચીખલી કાવેરી નદી અને ડેરી રોડ પરના ગોડાઉનમાં તપાસ કરતા કઈ વાંધાજનક મળ્યું નથી. જે જથ્થો હતો તેના બીલ રજૂ કરાતા કોઈ શંકાસ્પદ ન હતું. -વિશાલભાઈ યાદવ, પુરવઠા અધિકારી

અન્ય સમાચારો પણ છે...