નિરસતા:ચાપલધરા બીઓબી શાખાનું મકાન 2 તાલુકા અને 2 ગામમાં વહેંચાયેલુ છે !

ચીખલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મકાનનો આગળનો ભાગ ચીખલીના ખરોલીમાં અને પાછળનો વાંસદાના ચાપલધરામાં

ચાપલધરા બેંક ઓફ બરોડાની શાખાનું મકાન ચીખલી અને વાંસદા એમ બે તાલુકામાં વહેચાયેલું છે ત્યારે આકસ્મિક સંજોગોમાં મોટી વહીવટી ગૂંચ ઉભી થાય તેમ હોવા છતાં પ્રશ્નના નિરાકરણ માટે બેંકના જવાબદાર અધિકારીઓ નિરસતા દાખવી રહ્યા છે. બેંક હકીકત ચાપલધરા ગામે કાગળ પર છે પરંતુ ભાડાનું મકાન ચીખલી તાલુકાના ખરોલી અને વાંસદાનું ચાપલધરા એમ બે ગામોમાં વહેંચાયેલું છે. ચીખલી તાલુકાના ખરોલી ગામને અડીને આવેલા વાંસદા તાલુકાના ચાપલધરા ગામે બેંક ઓફ બરોડાની શાખા કાર્યરત છે.

આસપાસમાં અન્ય બેંકની શાખા ન હોવાથી વેપારી ખેડૂતોના મોટા આર્થિક વ્યવહાર વર્ષ દરમિયાન આ બેંકમાં થતા હોય છે. બેંક ચાંપલધરા ગામે જ મંજુર થયેલી છે અને કાગળ પર ચાપલધરા ગામે જ નોંધણી થઈ છે. આ સ્થિતિમાં બેંકનું હાલનું ભાડેનું મકાન ખરોલી અને ચાપલધરા એમ બે ગામમાં વહેચાયેલું છે. બેંકમાં મેનેજર, લોન મેનેજર, એટીએમ સહિતની ચેમ્બર ખરોલીમાં તો કેશિયર અને બાકીનો સ્ટાફ ચાપલધરા ગ્રામ પંચાયત હસ્તક આવે છે. ચાપલધરા બેંક ઓફ બરોડાના મકાનનો વેરો પણ ચાપલધરા અને ખરોલી એમ બે ગામમાં ભરવામાં આવી રહ્યો છે.]

ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના જેવી સ્થિતિમાં પોલીસ ફરિયાદ કરવાની થાય કે બીજા કોઈ વિભાગમાં કાર્યવાહીની જરૂર પડે તો ચીખલી કે વાંસદા તાલુકામાં કરવી એ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આવા સંજોગોમાં બેંકના સત્તાધિશોએ આ ગંભીર પ્રશ્નનું નિરાકરણ લાવવાની દિશામાં કાર્યવાહી કરવી જોઈએ. જોકે બેંકના જવાબદાર અધિકારીઓની ભાડુઆત સાથે મિલીભગત હોવાની પણ ચર્ચા ઉઠી છે. આ બાબતે અવાર-નવાર રજૂઆતો પણ સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. ચાપલધરા બેંક ઓફ બરોડાના મેનેજરના જણાવ્યાનુસાર અમને સ્થાનિકો દ્વારા બેંકનું મકાન ચાપલધરા અને ખરોલી એમ બે ગામમાં વહેચાયેલું હોવાનું જાણવા મળ્યું છે પરંતુ મકાન અંગે નવસારી કચેરીએથી જ નક્કી થતું હોય છે.

મકાનનો વેરો ખરોલી ગ્રા.પં.માં ભરાય છે
ચાપલધરા બેંક ઓફ બરોડાના મકાનનો આગળનો ભાગ ખરોલીમાં આવે છે અને પાછળનો ભાગ ચાપલધરામાં આવે છે. આ મકાનનો વેરો પણ ખરોલી ગ્રામ પંચાયતમાં ભરવામાં આવે છે. - રાજેશભાઈ, સરપંચ, ખરોલી

અન્ય સમાચારો પણ છે...