તપાસ શરૂ:ચીખલી હાઇવે પર બાઇક સવાર લુટારૂ ગેંગ સક્રિય બની, બે ટ્રકના ચાલકો પાસેથી નાણા પડાવી ફરાર

ચીખલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 હજારથી વધુની રકમ લૂંટી લેનારા સામે ટ્રક ચાલકોએ રાત્રે પોલીસ મથકમાં અરજી આપતા તપાસ શરૂ કરાઇ

ચીખલીમાં રાત્રિ દરમિયાન નેશનલ હાઇવે પર બાઈક પર સવાર કેટલાક વ્યક્તિઓએ બે ટ્રકના ચાલકોને લૂંટી ફરાર થઈ જવાના બનાવમાં ટ્રક ચાલકોની અરજીને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ચીખલી પંથકમાં આવા બનાવો ઉપરાછાપરી બનતા હાલ લગ્નની સિઝન પૂરબહારમાં હોય પોલીસને ભરોસે રહેવાના સ્થાને લોકો જ સાવચેતી રાખે તે જરૂરી જણાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગતરાત્રે વાપીથી ગોધરા તરફ જઈ રહેલી બે ટ્રકના ચાલકોને ચીખલી નજીકના થાલા ગામે નેશનલ હાઇવે પર આવેલા એક પેટ્રોલ પંપ પાસે બે બાઈક પર આવેલા કેટલાક અજાણ્યા વ્યક્તિઓ લૂંટી ફરાર થઈ જતા આ ટ્રક ચાલકોએ રાત્રિ દરમિયાન પોલીસ મથકે અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બનાવમાં બન્ને ટ્રક ચાલકોને થાલા હાઇવે પરના પેટ્રોલ પંપ નજીક બાઈક સવાર વ્યક્તિઓએ અટકાવી બન્ને પાસેથી 20-20 હજાર રૂપિયાથી વધુ જબરદસ્તી કઢાવી લીધા બાદ એક બાઈક ચાલકે પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવી કાર્ડથી ચૂકવણી કરતા સીસીટીવી ફૂટેજના આધારે બેંકમાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી.

રાત્રિ દરમિયાન બંને ટ્રકને નજીકની એક હોટલના કેમ્પસમાં મુકાવી દીધી હતી. ઘટનાના કલાકો બાદ પણ પોલીસ ખરેખર લૂંટ થયેલી કે અન્ય કોઈ ઘટના ઘટી હતી તે નક્કી કરી શકી ન હતી અને પોલીસ ચોપડે કોઈ ગુનો પણ નોંધાયો ન હતો. ગતરાત્રિના બીજા બનાવમાં એક તબીબ તેમની પુત્રી સાથે હોસ્પિટલની એક કર્મચારી યુવતીને કારમાં ઘરે મૂકવા જતાં હાઈવેથી એક બાઈક ચાલક દ્વારા પીછો કરી ચીખલી-ખેરગામ માર્ગ પર સાદકપોર-ગોલવાડ નજીક કાર આગળ બાઈક ઊભી રાખી અટકાવવાનો પ્રયાસ કરતા આ તબીબ પરિવારમાં ડરનો માહોલ સર્જાયો હતો.

જોકે તેઓએ કાર હંકારી મુકતા પીપલગભણ સુધી પીછો કરી બાઈક ચાલક ફરાર થઇ જતા આ તબીબ દ્વારા રાત્રિ દરમિયાન પોલીસને જાણ કરી હતી. આ બનાવમાં લૂંટના ઇરાદે કે અન્ય કારણોસર પીછો કર્યો હતો તે જાણવા નહીં મળતા પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.

વધુમાં થોડા દિવસ પૂર્વે ચીખલી-સુરખાઇ રોડ પર એક કારચાલકને અટકાવી લાયસન્સ માગી ધમકાવાનો પ્રયાસ થયો હોવાનું પણ કહેવાય છે. ચીખલી પંથકમાં હાલ લગ્નની સિઝન પૂરજોશમાં હોય અને મોડીરાત સુધી લોકોની અવરજવર પણ રહેતી હોય છે ત્યારે આ પ્રકારના બનાવને પગલે લોકોએ પોતાની અને પોતાના જાનમાલની સુરક્ષા સાવચેતી રાખવાની નોબત આવી છે.

તપાસ બાદ જ હકીકત બહાર આવશે
ટ્રક ચાલકોએ અરજી આપતા સીસીટીવી ફૂટેજના આધારે બેંકમાં પણ તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલકો કે જેઓ કડોદરા સુધી પહોંચી જતાં ફરી તેમને બોલાવ્યા છે ત્યારે પૂરી તપાસ બાદ જ હકીકત બહાર આવશે. > ડી.આર.પઢેરીયા, પીએસઆઈ, ચીખલી

અન્ય સમાચારો પણ છે...