મજીગામ હાઈવે પાસે ડિવાઇડરનું કલર કામ ચાલી રહ્યું હતું ત્યારે કામના સ્થળના નજીકમાં જ બેરીકેટ ગોઠવી મજૂરે ફલેગ બતાવતા પૂર ઝડપે આવી રહેલા વાહન ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ બીજા પાંચ જેટલા વાહનો અથડાતા એક સમયે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ખરેખર કામના સ્થળની પૂરતા અંતરે બેરીકેટ કે ચેતવણી દર્શક બોર્ડ મૂકવા જોઈએ.
ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગત મુજબ સવારના સમયે નેશનલ હાઇવે પર મજીગામ પાસે ડિવાઈડરનું કલર કામ હાઇવે ઓથોરિટીની એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું હતું. તે કામ જ્યાં ચાલતું હતું ત્યાં જ બેરીકેટ ગોઠવાયા હતા. ખરેખર કામના સ્થળથી નિયત અને પૂરતા અંતરે સાવચેતી માટેના બોર્ડ મૂકવા જોઈએ. હાઈવે પર ઝડપે દોડતા વાહનના ચાલકે અચાનક બ્રેક મારવી પડે તો ત્યારે આવા અકસ્માત સર્જાતા હોય છે.
આવી જ સ્થિતિ આજે મજીગામ હાઈવે પર થતા વલસાડ તરફ ઝડપે જઈ રહેલા કારના ચાલકને મજૂર દ્વારા ફ્લેગ બતાવવા તેણે અચાનક બ્રેક મારતા એક એમ્બ્યુલન્સ નં:જીજે-16-એયું- 2580 , નિશાન માઈક્રા કાર નં:જીજે-05-આરએ-8442, મારુતિ સ્વીફ્ટ કાર જીજે-05-આરએલ- 3420 સહિત 6 જેટલા વાહનો એકસાથે ધડાકેભેર અથડાતા વાહનોને મોટા પાયે નુકસાન થયું હતું અને હાઇવે પર વાહનોની કતાર લાગતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. પરંતુ એમ્બ્યુલન્સના ચાલક સહિત તેમાં સવાર ત્રણેક જેટલાને નાની-મોટી ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વાહનોને ખસેડી ટ્રાફિક પ્રવર્ત કર્યો હતો. વધુમાં આ લખાય ત્યાં સુધી પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી.
હાઇવે ઓથોરિટીના આ પ્રકારના બેદરકારી ભર્યા કારભારમાં હાઇવે પર કામ કરનારા શ્રમિકોના જીવ જોખમાવા સાથે વાહનમાં સવાર લોકોના જીવ પણ જોખમાતા હોય છે. ત્યારે ખરેખર કામના સ્થળથી પૂરતા અંતરે ચેતવણી બોર્ડ મૂકવા જોઈએ.
કારે બ્રેક મારી 6 વાહનો અથડાયા
મજીગામ હાઈવે પર ડિવાઈડરના રંગ કામના સ્થળે વલસાડ તરફ પૂરપાટ ઝડપે જઇ રહેલ હોન્ડા અમેઝ કાર એમએચ- 02-06- 1080 ના ચાલકે અચાનક બ્રેક મારતા એક સાથે 6 જેટલા વાહનો અથડાયા હતા. આ વાહન ચાલકોએ ત્યાં કામ કરી રહેલા શ્રમિકોને તમારો કોન્ટ્રાકટર કોણ છે. તેમ કહી રોષ ઠાલવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.