કાર્યવાહી:સરકારી અનાજ સગેવગેના કેસમાં ગુર્જરે જથ્થો મંગાવ્યાનું સોગંદનામું

ચીખલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બામણવેલમાં 21મી મે એ સરકારી ચોખાનો જથ્થો લોકોએ પકડ્યો હતો

બામણવેલ ગામે સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાના પ્રકરણમાં જથ્થો ભરાવનારે નારાયણ ગુર્જરે અનાજનો જથ્થો મંગાવ્યો હોવાનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. બામણવેલમાં સહકારી મંડળી સ્થિત સસ્તા અનાજની દુકાનમાંથી 30 ચોખાના કટ્ટા ટેમ્પો (નં. જીજે-21-વાય-1986) ભરી સગેવગે કરવાની તજવીજમાં હતા. તે દરમિયાન સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ જઇ ટેમ્પોને અટકાવી જાણ કરાતા પુરવઠા વિભાગ અને પોલીસનો સ્ટાફ ધસી જઇ ટેમ્પાનો કબજો લઇ જથ્થો ભરાવનાર દિનેશ નારાયણલાલ પ્રજાપતિ (મૂળ રહે. રાજસ્થાન, હાલ રહે. સાદડવેલ, તા.ચીખલી) સામે કાર્યવાહી હાથ ધરી હતી.

જથ્થો ભરાવનાર દિનેશ નારાયણ પ્રજાપતિ દ્વારા કરાયેલ સોગંદનામામાં જણાવ્યું છે કે તે સાદડવેલમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે તેમજ વાંસદા તાલુકાના લાખાવાડી ગામે રહેતા નારાયણ ગોપી ગુર્જરના કહેવા મુજબ જે તે ગામોમાંથી અનાજ ભરી લઉ છું. જેમાં મને ગાડીનું ભાડું તથા મહેનત મજુરી મળી એક કિલો અનાજ ઉપર 1 રૂપિયો આપે છે. જેઓના કહેવા મુજબ 21મી મેના રોજ બામણવેલ અનાજ લેવા ગયેલા અને અનાજ ટેમ્પોમાં ભરતા પકડાઈ જતા નારાયણ ગોપી ગુર્જરને જાણ કરી હતી. તેણે ધમકી સાથે જણાવેલ કે મારું નામ કહેતો નહીં જો મારું નામ લખાવશે તો હું તને માર મારી ઉલટો કેસ કરી જેલમાં નંખાવી દઇશ જેથી ડરના કારણે નારાયણ ગોપી ગુર્જરનું નામ લખાવ્યું નથી.

હકીકતમાં આ અનાજનો જથ્થો મંગાવનાર નારાયણ ગોપી ગુર્જર છે. આ હકીકત મુજબનું સોગંદનામુ કરી મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં રજૂ કરવામાં આવ્યું છે ત્યારે પુરવઠા વિભાગ નારાયણ ગોપી ગુર્જર સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.

સોગંદનામુ મારી પાસે આવ્યું નથી
બામણવેલમાં દુકાન સસ્પેન્ડ કરી છે અને આ કેસની સુનાવણી બાદ કાર્યવાહી કરવામાં આવશે. સોગંદનામું તાલુકામાં આપવામાં આવ્યું હોવાનું મને જાણવા મળ્યું છે. મારી પાસે આવ્યું નથી. > વિશાલ યાદવ, અધિકારી, જિલ્લા પુરવઠા

અન્ય સમાચારો પણ છે...