કાર્યવાહી:આલીપોર જમીન વળતરના રૂ. 2.12 કરોડ ચાઉ કરી જવાના કેસમાં 4ની અટક

ચીખલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બોગસ પાવરઓફ એટર્નીના આધારે ષડયંત્ર રચાયું હતું, પોલીસે 5 સામે કાર્યવાહી હાથ ધરી હતી

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેમાં સંપાદિત આલીપોરની જમીનની વળતરની 2.12 કરોડ જેટલી રકમ બોગસ પાવર ઓફ એટર્નીના આધારે ચાઉં કરી જવાના ષડયંત્રમાં બે મહિના કરતાં વધુ સમય બાદ પોલીસે સુરતના બે સહિત પાંચ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેમાં સંપાદિત આલીપોરની બ્લોક નંબર-1384 તથા 1412વાળી જમીનના વળતર પૈકીની 2.12 કરોડ જેટલી રકમ સુરતના વકીલ સહિતના દ્વારા ગુનાહિત કાવતરું રચી મનોજ રામદાસ ગાયકવાડ (રહે. ખૂંધ, તા.ચીખલી)ને પોતાને જમીન સંપાદનના રૂપિયા મેળવવા પાવર ઓફ એટર્ની મળી હોય અને જમીન સંપાદનના રૂપિયા મેળવવાની કાર્યવાહીમાં સહી કરવાની હોવાનું જણાવી વિશ્વાસમાં લઇ સહી કરાવી હતી.

મનોજના નામનું બેંકમાં ખાતું ખોલાવી અલગ-અલગ તારીખે 2.12 કરોડ જેટલી રકમ ઉપાડી લેવામાં આવી હતી. આ કામ માટે મનોજને 2.50 લાખ આપવાની વાત કરી હતી. આ સમગ્ર બાબત સ્થાનિક ખેડૂત આગેવાનો અને મનોજને ધ્યાનમાં આવતા પોતે ષડયંત્રનો ભોગ બન્યો હોવાનું માલુમ પડતા મનોજે 2જી નવેમ્બરે પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી પરંતુ કોઈ કારણોસર પોલીસ દ્વારા ગુનો નોંધાયો ન હતો.

જોકે બાદમાં જમીનમાલિકો પૈકી ફાતમાબેન ઈસ્માઈલભાઈ માયાત (ચીખલી)ની ફરિયાદમાં પોલીસે ઇલિયાસ ઇસ્માઇલ મુલ્લા (ચીખલી), શાહજહાં ગુલાબનબી મન્સૂરી ઉર્ફે પટેલ (ચીખલી), વકીલ એ.એ.શેખ, જફર.એ.શેખ (સુરત), ઈંદ્રિશ અબ્દુલરહીમ શેખ (નવસારી) સામે કાવતરુ, વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ખેડૂત ખાતેદાર ફાતમાબેન તથા સંબંધીઓ નામના કન્સેન્ટ લેટર તથા ઓળખના પૂરાવા તરીકે ફોટા આઈડી કાર્ડના બનાવટી દસ્તાવેજો ઉપજાવી કાઢી તે ખોટા હોવા છતાં સરકારી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી ખેલ પડાયો હતો.

આ ગુનામાં નવસારી પ્રાંત કચેરી કે જ્યાંથી જમીનનું વળતર ચૂકવવાની કામગીરી થાય છે તે પ્રાંત કચેરીના અધિકારી કર્મચારીઓની પણ જવાબદારી ફિકક્સ થવી જોઈએ પૂરતી ચકાસણી કે ખરાઈ કર્યા વિના 2.12 કરોડ જેટલી માતબર રકમ ત્રીજા વ્યક્તિના ખાતામાં કેવી રીતે જમા કરાવવામાં આવી ? ફાતમાબેન સિવાયના મોટાભાગના ખેડૂત ખાતેદારો વર્ષોથી દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરે છે. એક્સપ્રેસ વેમાં સંપાદિત આલીપોરની જમીનની વળતરની રકમ ચાઉં કરી જવાના ગુનામાં આલીપોરના શાહજહાં ગુલાબનબી મન્સૂરી, ઇલિયાસ ઇસ્માઇલ મુલ્લા તથા સુરતના વકીલ અબ્દુલ સતાર શેખ અને ઝફર શેખની પોલીસે અટકાયત કરી હતી.

તે પૈકી ઇલિયાસ ઇસ્માઇલ મુલ્લા કોરોના પોઝિટિવ આવતા તેને સુરત કેર સેન્ટરમાં રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અવારનવારની રજૂઆત બાદ પણ ગુનો નહીં નોંધાતા રેંજ આઈજી સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત થઈ હતી. જેને પગલે ગુનાની તપાસ સુરત ગ્રામ્ય એલસીબીને રેન્જ આઇજી દ્વારા સોંપવામાં આવી છે. વધુમાં રેન્જ આઇજીની ટીમ દ્વારા ગતરોજ સવારના સમયે આરોપીઓને ઊંચકી લીધા બાદ મોડી સાંજે ચીખલી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...