નવસારીના ચીખલી એક્ષપ્રેસ-વેમાં બ્લોક/સરવે નં. 486વાળી ખેતીની જમીન સંપાદન થઈ હતી. જે જમીન રેવન્યુ રેકર્ડ દફતરે સિકંદર પીરની જમીન તથા બાવટા પીર ટ્રસ્ટના નામે ચાલી આવી છે. જેના ટ્રસ્ટી અફીઝા ઉસ્માનશા ગલુશાના ખોટા પાવર ઓફ એટર્ની તથા ખોટા કન્સેટલેટર બનાવી આરોપી નઝીર અબ્બાસ મુલ્લાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેની ફરિયાદ ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં આરોપી વલીભાઈ અહમદભાઈ પટેલે નવસારી કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. જેમાં નવસારી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ તુષાર સુળે દલીલો કરી હતી અને મૂળ ફરિયાદી અબુબકર કાસમ દિવાન તર્ફે નદીમ કાપડીયાએ સોગંદનામું મુકી રજૂઆત કરી હતી. જેમાં કોર્ટે આરોપી વલી અહમદભાઈ પટેલની જામીન અરજી નામંજૂર કરી હતી.
એડવોકેટ નદીમ કાપડીયા એ માહિતી આપતા જણાવ્યું કે કોર્ટે જામીન અરજીના હુકમમાં નોંધેલ છે કે, તેમની સામે સરકાર તરફથી જમીનના વળતર પેટે મળેલ રકમમાંથી 30% રકમ નાણાં મેળવતા હોવાના ગંભીર પ્રકારના આક્ષેપો છે તથા પોતાની ફરજ દરમિયાન કાયદેસરની જે કાર્યવાહી કરવાની હતી તે કરી નથી. આગોતરા જામીન ઉપર મુકત કરવામાં આવે તો પુરાવાઓ સાથે ચેડા કરવાની સંભાવના નકારી શકાય તેમ નથી તેમજ તપાસમાં પણ આરોપીની હાજરીની આવશ્યકતા જણાય છે.
અરજદાર/આરોપી સામેના આક્ષેપો જોતા તેમણે ગુનામાં ખુબજ મહત્વનો ભાવ ભજવેલ છે. જો આ પ્રકારના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો સમાજમાં તેની વિપરીત અસર પડે તેમ છે વગેરે કારણો આપી આગોતરા જામીન નામંજુર કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.