કાર્યવાહી:ચીખલીમાંથી ચોરાયેલી 420 કટ્ટા ચોખા ભરેલી ટ્રક ઉભરાંટથી મળી

ચીખલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જલાલપોરના મામલતદારે ટ્રકનો કબજો લીધો હતો

ચીખલી સરકારી અનાજના ગોડાઉનમાંથી ચોખાનો જથ્થો ભરેલ ટ્રક ચોરાઈ જતા પુરવઠા અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. જોકે ઉભરાંટથી આ ટ્રક મળી આવી હોવાનું જાણવા મળ્યું હતું. બુધવારે સાંજના સમયે વલસાડ રેલવે યાર્ડમાંથી ચોખાના 420 નંગ કટ્ટા અંદાજે 8 લાખનો જથ્થો ભરેલી ટ્રક ચીખલી એફસીઆઈના ગોડાઉનમાં પાર્ક કરવામાં આવી હતી.

આ ટ્રકની ચાવી શોધી તસ્કર રાત્રિના બારેક વાગ્યાના અરસામાં ટ્રક ચાલુ કરીને ચોરી ગયો હતો. સવારે ટ્રક નહીં દેખાતા ટ્રકના ચાલક અને ટ્રાન્સપોર્ટર દ્વારા શોધખોળ હાથ ધરી હતી અને પોલીસને બનાવની જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યારે પોલીસે હાઇવે સ્થિત બોરીયાચ ટોલનાકા પરથી રાત્રિના 1 વાગ્યાના અરસામાં પસાર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ અને પુરવઠા વિભાગ દ્વારા તે દિશામાં શોધખોળ હાથ ધરાતા આ ચોખા ભરેલી ટ્રક જલાલપોરના ઉભરાંટ વિસ્તારમાંથી મળી આવી હોવાનું જાણવા મળ્યું હતું.

આ ટ્રક જલાલપોર મામલતદારે કબજે લીધી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે મામલતદારનો સંપર્ક નહીં થતા હકીકત જાણી શકાઈ ન હતી. જોકે, અચાનક જ ટ્રક ચોરાયા બાદ તે ચોખાના જથ્થા સાથે પુન: ઉભરાટ પંથકમાંથી મળી આવતા અનેક તર્કવિર્તકો શરૂ થઇ ગયા છે. તસ્કરે ટ્રકની ચોરી કેમ કરી હતી તે અંગે પણ રહસ્ય અકબંધ છે.

30 કિ.મી. લાંબો ચકરાવો કાપવાનું કારણ શું?
ચોખાનો જથ્થો વલસાડથી ખેરગામ પહોંચાડવાનો હતો. ચીખલીના ગોડાઉન પર લાવવાની કેમ જરૂર પડી ? વલસાડથી ખેરગામનું અંતર 18 કિ.મી. આસપાસનું અંતર છે. જ્યારે વાયા ચીખલી 30 કિમી જેટલું અંતર થાય છે તો આટલો લાંબો ચકરાવો કાપવાનું કારણ શું ? આ બાબતે તપાસ કરી ટ્રાન્સપોટરોની પણ જવાબદારી નક્કી થવી જોઈએ. સમગ્ર પ્રકરણમાં કાળાબજારીયા સાથેની સાંઠગાંઠની પણ આશંકા વ્યક્ત કરાઇ રહી છે ત્યારે સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...