નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાંઝણા ગામની નાયકીવાડ ફળિયાની પ્રાથમિક શાળામાં ધોરણ-1થી 8માં 125 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને છ જેટલા શિક્ષકોનો સ્ટાફ છે. આ શાળાના ઓરડા જર્જરિત થતા બે વર્ષ પૂર્વે તોડી નાંખવામાં આવ્યા હતા. બાદમાં ઓરડાની સંખ્યા ટેન્ડરની આંટીઘૂંટીમાં આજદિન સુધી નવા ઓરડાઓનું બાંધકામ કરવામાં આવ્યું નથી. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ફળિયામાં આવેલ ચર્ચમાં ધોરણ-6થી 8ના 3 વર્ગના બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે.
ચર્ચના કર્તાહર્તાઓ દ્વારા બાળકોને બેસવાની મંજૂરી આપી સુવિધા ઉપલબ્ધ કરાવી સેવાકીય અભિગમ દાખવતા બાળકો અને વાલીઓને રાહત થઇ હતી. સ્થાનિકો ચર્ચના અભિગમને બિરદાવી રહ્યાં છે. જોકે ઓરડાના અભાવે બાળકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. લાંબા સમયથી ઓરડાઓનું બાંધકામ નહીં થતા વિદ્યાર્થીઓ સાથે સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે. આવનાર દિવસોમાં સ્થાનિકો તંત્રના રેઢિયાળ કારભાર સામે બાયો ચડાવી આક્રમક કાર્યક્રમો આપે તો નવાઈ નહીં.
વહેલી તકે બાંધકામ થાય તે જરૂરી છે
નાયકીવાડ ફળિયાની પ્રાથમિક શાળામાં નવા ઓરડાના બાંધકામ માટે ઇજારદાર દ્વારા માલ સામાન પણ નાખી દેવાયું હતું પરંતુ તે રિટર્ન ભરી લેવાયું હતું અને ત્યારબાદ કોઈ આવ્યું નથી. હાલ એકાદ વર્ષ કરતાં વધુ સમયથી ત્રણ ધોરણના બાળકોને ચર્ચમાં બેસાડવામાં આવી રહ્યા છે. વહેલી તકે બાંધકામ શરૂ થાય તે જરૂરી છે. > નલીનભાઈ, પૂર્વ સરપંચ, વાંઝણા
કોઇ એજન્સીએ ટેન્ડર નહીં ભરતા
નાયકીવાડ પ્રાથમિક શાળામાં ત્રણ ઓરડા મંજૂર થયા હતા પરંતુ પાછળથી ચાર ઓરડાની માંગણી કરાતા 31મી ડિસેમ્બર 2021ના રોજ સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર દ્વારા ચાર ઓરડાની મંજૂરી પણ આપી દેવામાં આવી હતી અને ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવેલું પરંતુ કોઈ એજન્સીએ ટેન્ડર નહીં ભરતા રિટર્નલની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. જે આગમી દિવસોમાં પૂર્ણ થતા કામ શરૂ થઇ જશે. > જાવેદભાઈ, સર્વ શિક્ષા અભિયાન ટીઆરપી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.