ચીખલીના આમધરાના કોળીવાડમાં રહેતા અને ફરિયાદી શિવાંગ બિપીનભાઈ પટેલના પિતાને છ એક માસ પૂર્વે સારવાર માટે આલીપોર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની પાસે પૂરતા પૈસા નહીં હોય તેમને નાંધઇ-ભૈરવીનો ધવલ વ્યાજનો ધંધો કરતો હોવાનું જાણવા મળતા તેનો સંપર્ક કર્યો હતો. ખેરગામ એપીએમસી પાસે બોલાવી એક લાખ રૂપિયાની જરૂરિયાત હોવાનું જણાવતા ધવલે બે કોરા ચેક અને તેટલી જ રકમની એક વસ્તુ આપવી પડશે તેમ જણાવ્યું હતું. બાદમાં પીપલગભણ હાઇસ્કૂલ પાસે બોલાવી વ્યાજના પ્રથમ હપ્તાના રૂ. 10 હજાર કાપી લઈ રૂ. 90 હજાર આપ્યા હતા.
સિક્યુરિટી પેટે શિવાંગે બે કોરા ચેક અને પિતાના નામે રજીસ્ટ્રેશન થયેલ તેમનું રોયલ એનફીલ્ડ (નં. જીજે-21-બીએલ-0001) આપ્યું હતું. તેના મિત્રના ફોન મારફતે ગુગલ પે થી વ્યાજના બીજા હપ્તાની રકમ રૂ. 10 હજાર ચૂકવ્યા હતા. બાદમાં વ્યાજ આપવામાં મોડું થતા અવારનવાર ફોન પર અને ઘરે આવીને પૂરેપૂરી રકમ ચૂકવી દેવા ધમકી આપતા પોલીસે ગેરકાયદેસર નાણાં ધીરનારની પ્રવૃત્તિ કરનાર નાંધઇ ભૈરવીના ધવલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વ્યાજ ખોરોના ત્રાસના વધુ 3 કેસ સામે આવ્યા
નવસારીમાં આજે પણ વ્યાજ ખોરોના ત્રાસના નવા 5 કેસ સામે આવ્યા છે. જેમાં 2 કેસ જલાલપોર પોલીસ સ્ટેશન, 2 કેસ વાંસદા અને 1 કેસ નવસારી રૂરલ પો. સ્ટેશનમાં નોંધવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ફરિયાદની વાત કરીએ તો નવસારી-બારડોલી રોડ પર ભૂત બંગલા ચાર રસ્તા પાસે રહેતા કાર્તિક સુભદભાઇ હળપતિ (ઉ.વ.45) બાલાસુબ્રમનીઅન રહે.નવસારી પાસેથી રૂ.50,000/-ની રકમ લીધી હતી. જે રકમ કાર્તિકે વ્યાજના રૂ.3750થી ચૂકવેલ છે. તેમ છતા પણ બાલાસુબ્રમનીઅને સતત 50 દિવસ સુધી રૂ.1250 લેખે કુલ રૂ.12,500ની રકમ વધુ કઢાવી છે.
આ ઉપરાંત દરરોજ ગેરકાયદેસર રીતે વ્યાજ સહિતના નાણા માંગી હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ નવસારી રૂરલ પો.સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જલાલપોરમાં શિવ શક્તિ ફાઇનાન્સના માલિક અજિતસિંહ જીતેન્દ્રસિંહ કુંવર પર ગેરકાયદેસર નાણા ધીરવાની 2 ફરિયાદ નોંધાઇ છે. બન્ને ફરિયાદમાં મોબાઇલ ગિરવે મુકાવી વ્યાજ વસૂલ કરવાની ફરિયાદ સામે આવી છે.
નવસારી રેલવે સ્ટેશનની સામે લાલચાલમાં રહેતા મુકેશભાઇ પડાયા પાસે રૂ.10,000/- ગીરવે મુકાવી દર મહિને 5 ટકાના દરે રૂ.500 વસુલે છે તો અન્ય ફરિયાદમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં મુસ્લિમ સોસાયટીમાં રહેતા શોએબ ઉસ્માન પઠાણ પાસે પણ શિવ શક્તિ ફાઇનાન્સના માલિકે રૂ.20,000/-ની રકમનો ફોન ગીરવે મૂકાવી બદલામાં દર મહિને રૂ.1000/- ગેર કાયદેસર વસુલાતા ફરિયાદ નોંધવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.