અનોખી ઉજવણી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ચીખલીમાં વેક્સિનેશન અને વૃક્ષારોપણ કરી ભવ્ય ઉજવણી

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 ટકા વેક્સિનશન થયેલા ગામોના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા

ચીખલી તાલુકાના સુરખાઈ ઢોડીયા સમાજની વાડીમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ગાવિત, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન, બાંધકામ અધ્યક્ષ દિપાબેન, પીઓકમ ટીડીઓ હિરેનભાઈ ચૌહાણ, નાયબ મામલતદાર સુરેશભાઇ દેસાઈ સહિતનાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના 2.0 અંતર્ગત 113 પૈકી 15 લાભાર્થીને મંજૂરીના હુકમ એનાયત કરાયા હતા.

પ્રાંત અધિકારી ડી.ડી.જોગીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં 100 ટકા વેક્સિનશન થયેલા બોડવાંક, કાંગવઇ, સુરખાઈ, ચિતાલી, રાનકૂવા સહિતના ગામોના સરપંચોને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ડો.અમીતાબેન અને કલ્પનાબેન ગાવિતે ઉજ્જ્વલા યોજના જેવી ગરીબલક્ષી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યોજનાને બિરદાવી હતી. ચીખલી એપીએમસી કેમ્પસમાં ચેરમેન કિશોરભાઈ પટેલ, વાઇસ ચેરમેન પરિમલ દેસાઈ, ડિરેકટર અજય દેસાઈ, ધર્મેશભાઈ સેક્રેટરી,મકસુંદ લાકડાવાલા સહિતનાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું હતું.

ઘેજમાં મિયાવાંકી પદ્ધતિ મુજબ જિ.પં. સભ્ય સેજલબેન, સરપંચ પદ્માબેન, પૂર્વ સરપંચ વિનોદભાઇ, ડેપ્યુટી સરપંચ કમલેશભાઈ સહિતની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ફડવેલ ગામે તાલુકા સભ્ય મહેશભાઈ, કાવેરી સુગરના ચેરમેન આનંદભાઈ દેસાઇ, એપીએમસીના ડિરેકટર ચીમનભાઈની ઉપસ્થિતિમાં આંબાકલમનું વિતરણ કરાયું હતું.

બીલીમોરામાં 323 પરિવારને ગેસ કીટનું વિતરણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 71મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે બીલીમોરામાં 323 જેટલા બીપીએલ કાર્ડ પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ ગેસ કીટનું વિતરણ કરાયું હતું. આ સાથે આજના દિવસે વેક્સિનેશન પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો અને બીલીમોરામાં અર્બન હેલ્થ સેન્ટર, પંચાલવાડી, પ્રજાપતિ વાડી, દેસરા દરગાહ પાસે, નગરપાલિકાના જુના ફાયર સ્ટેશન અને રેલવે સ્ટેશન મળીને અંદાજિત સાંજે 5 વાગ્યા સુધી ડો. ગઢવી તથા તેમની આરોગ્યની ટીમે પ્રથમ અને બીજો ડોઝ મળી 2200ને વેક્સિનેશન કરાયું હતું,જે દિવસના અંતે 3 હજારનો આંકડો હાંસલ કરવાનું લક્ષ રાખવામાં આવ્યું હતું.

બીલીમોરાની ટાટા હાઇસ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં શાળાના બાળકોને દફતર સાથે રમકડાંનું વિતરણ કરાયું હતું. શહેરમાં ઠેરઠેર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે આગામી 7મી ઓકટોબર સુધી વિવિધ સેવાકીય પ્રવૃતિઓને અવિરત કરવામાં આવશે એવુ બીલીમોરા ભાજપ સંગઠન દ્વારા જાહેર કરાયું હતું. આ કાર્યક્રમમાં બીલીમોરા શહેર ભાજપના મહામંત્રી મનહર પટેલ, રમેશ રાણા, પાલીકા પ્રમુખ વિપુલાબેન તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...