બરવાળાના લઠ્ઠાકાંડની ઘટના બાદ સફાળી જાગેલી ચીખલી પોલીસે અલગ અલગ ગામમાં છાપો મારી એક જ દિવસમાં દેશી દારૂના 9 કેસ કરી 7ને ઝડપી પાડી અન્ય 2ને ફરાર જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. દેશી દારૂના અડ્ડા અને ભઠ્ઠીઓ બંધ કરાવવાના આદેશને પગલે પોલીસ હરકતમાં આવી હતી.
ચીખલીના પીઆઇ કે.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ છાપો મારી સરૈયા ગામેથી રમેશ હળપતિ, પદ્માબેન મુકેશ હળપતિ,ચાસા ગામેથી કિશોર છગન હળપતિ, આલીપોરથી સંગીતા અર્જુન નાયકા, રામી ઠાકોરભાઈ હળપતિ, ટાંકલથી નિરુબેન કિશોરભાઈ પટેલ, મીનાબેન અમ્રતભાઈ પટેલ સહિત 7ને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.
આ સાથે પોલીસે 23 લિટર દેશી દારૂ, 181 લિટર રસાયણ, 15 લિટર ચાલુ ભઠ્ઠીનું રસાયણ અને પ્લાસ્ટિકના કેન, તગારા, પાઇપ તેમજ દેશી દારૂની ભઠ્ઠીમાં વપરાતા અન્ય સાધનો કબજે લઈ તપાસ હાથ ધરી હતી. જોકે રસાયણનો પોલીસ દ્વારા નાશ કરાયો હતો. વધુમાં પોલીસ જોઈને ભાગી જતા તેજલાવના ગમન ઉર્ફે ધર્મેશ પટેલ અને ખાંભડાના મનુ પટેલને ફરાર જાહેર કરી પોલીસે તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.