ચીખલી તાલુકામાં આવેલી કલિયારી ફડવેલ, માણેકપોર ગ્રામ પંચાયતની કચેરી અત્યંત જર્જરીત હોય તે બાબતે ઉચ્ચસ્તરે ફરિયાદ કરતા અમૂક જગ્યાએ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે બે જગ્યાએ હજુ પણ ગ્રામ પંચાયતના મકાન બાબતે કોઇ ઠેકાણા ન હોય ખાનગી માલીકિની મિલકતમાં વહીવટ થઇ રહ્યો છે.
ચીખલી તાલુકામાં કલીયારી ગ્રામ પંચાયતની કચેરી જર્જરિત થતા માર્ગ મકાન પંચાયત દ્વારા પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી આવાસનું કામ ધરાયુ હતું પરંતુ પ્લીથ લેવલ સુધી બાંધકામ થયા બાદ કોન્ટ્રાકટરને પરવડે તેમ નહીં લાગતા કે અન્ય કોઈ કારણોસર કામ અટકાવી દીધું હતું.
બાદમાં પ્લીથની ઉપર કોલમ માટે ઉભા કરાયેલ સળિયા પણ કાપી ગયો હતો. માર્ગ મકાન પંચાયત દ્વારા વારંવારની નોટિસ બાદ પણ કામ શરૂ નહીં થતા કામ ખોરંભે પડી ગયું હતું. હાલ ગ્રામ પંચાયતની કચેરી છેલ્લા ઘણાં સમયથી દૂધ ડેરીના મકાનમાં ચલાવવામાં આવી રહી છે.
જોકે કલીયારીમાં કોન્ટ્રાકટરને નોટિસ આપ્યા બાદ છૂટો કરી રિટેન્ડર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત ફડવેલ ગામે વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખાતમુહૂર્ત થયા બાદ બાંધકામ શરૂ નહીં થતા હાલ છેલ્લા પાંચેક માસથી જર્જરિત મકાન ખાલી કરી ખાનગી શોપીંગ સેન્ટરમાં કચેરીનો કારભાર ચલાવાઇ રહ્યો છે.
જ્યારે માણેકપોર ગામે ગ્રામ પંચાયતનું વર્ષો જૂનું મકાન બિનઉપયોગી થતા છેલ્લા બે વર્ષથી કચેરી શાળાના ઓરડામાં ચલાવાઇ રહી છે. માણેકપોર ગામે જમીનનો પ્રશ્ન હોવાથી આજદિન સુધી કામ શરૂ કરી શકાયું નથી.
ગ્રામ પંચાયત લોકશાહીનો સૌથી પાયાનો એકમ છે
ગ્રામ્ય વિસ્તારમાં જન્મ-મરણના દાખલા, 7-12, 8-અના ઉતારા, પેઢીનામા, આવકના દાખલા, ઇ-ગ્રામ ઉપરાંત સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવવા માટે પણ લોકોએ ગ્રામ પંચાયત કચેરીએ જવું પડતું હોય છે. ગ્રામ પંચાયત કચેરીમાં જુના રેકોર્ડ હોવા સાથે કમ્પ્યૂટર એલઇડી જેવા ઉપકરણો પણ હોય છે ત્યારે તેને નુકસાન નહીં થાય અને લોકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે ગ્રામ પંચાયત કચેરીનું અદ્યતન મકાન જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.