ચીખલી પંથકમાંથી કાર ભાડે લઈ ગયા બાદ વેચી દેવાના છેતરપિંડીના ગુનામાં પોલીસે અત્યાર સુધીમાં 5 જેટલા આરોપીની ધરપકડ કરી ચૂકી છે. આ ગુનો નોંધાયાના દોઢ માસ વિત્યા બાદ પણ 6 જેટલી કારનો પત્તો લાગ્યો નથી.
9 પૈકી 6 જેટલી કારની કોઈ ભાળ ન મળતા કાર માલિકોની ચિંતા વધી છે
પોલીસની તપાસમાં કાર છેતરપિંડીના સમગ્ર કૌભાંડમાં નવા-નવા નામો બહાર આવી રહ્યા છે. જે પૈકી સુરતના નાનપુરા વિસ્તારના મહેમુદનું નામ ખુલતા પોલીસની ઢોસ વધતા તે નાસતો ફરતા પોલીસે તેનો અન્ય એક સાગરીત શબ્બીર દુર્વેશ ધાંચી (રહે.ફૂટપાથ પર નાનપુરા સુરત) ને પકડી લાવી કોરોના રિપોર્ટ કઢાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવતા વિધિવત ધરપકડ સાથે પૂછપરછ હાથ ધરી હતી. જોકે આ આરોપીના મોબાઈલ ચેક કરતા ચોરાયેલી કારના ફોટા મળ્યા હોવાનું અને મહેમુદ સાથે અવાર-નવાર ફોન ઉપર વાતચીત થતી હોવાનું જાણવા મળ્યું હતું. ગુનો નોંધાયાને દોઢ માસ જેટલા સમય વિતવા છતાં એફઆઈઆરમાં ઉલ્લેખાયેલી 9 પૈકી 6 જેટલી કારની કોઈ ભાળ ન મળતા કાર માલિકોની ચિંતા વધી છે. કાર ભાડે લઈ છેતરપિંડી કરવાના ગુનામાં આરોપી ગાડી ભૂલવામાં આપવાની કે ગીરવે આપવાની છે તેવી ભાષામાં વાત કરતા હતા. ગાડી ભૂલવામાં આપવાની એટલે કે વેચી દેવાની તેવો મતલબ રહેતો પરંતુ વેચી દેવાના સ્થાને ગાડી ભૂલવામાં આપવાની તેવા શબ્દોપ્રયોગ કરતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.