આવેદન:બીલીમોરા શહેરમાં જાહેરમાં-નડતરરૂપ નોનવેજની લારી બંધ કરાવવા વીએચપીનું પાલિકાને આવેદન

બીલીમોરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરભરમાં ખુલ્લામાં કોલસાની સગડી ઉપર વાનગીઓ બનાવાતા લોકોમાં રોષ

વિશ્વ હિન્દુ પરિષદ બીલીમોરા પ્રખંડના મંત્રી હીરેન શાહે શહેરભરમાં જાહેરમાં ચાલતી નોનવેજની હાટડીઓ બંધ કરી નડતરરૂપ ન બને તેવા સ્થળે ખસેડવા પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું છે. તે સાથે મંદિરો નજીક ચાલતા ચીકનશોપ બંધ કરી અન્ય સ્થળે ખસેડવાની માગણી કરી છે. રાજ્યભરમાં જાહેરમાં ચાલતી નોનવેજની હાટડીઓ માટે વિરોધનો સૂરનો રેલો હવે બીલીમોરામાં પણ દેખાયો છે.

હાલ સમગ્ર રાજ્યમાં જાહેર સ્થળોએ અને માર્ગ પર નડતરરૂપ નોનવેજની લારી દુકાનો સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. જાહેરમાં લટકાવવામાં આવતા આવા નોનવેજના કારણે લોકોને તકલીફ થતી હોવાનું જણાવી ઘણાં સંગઠનો જાહેર સ્થળોએ ચાલતી આવી નોનવેજની લારી-દુકાનો બંધ કરવા માંગણી કરી રહ્યાં છે. જેમાં હવે બીલીમોરા વિશ્વ હિન્દુ પરિષદે પણ આ બાબતે ઘટતું કરવા આવેદનપત્ર પત્ર પાઠવ્યું છે.

જેમાં બીલીમોરા વીએચપીના હિરેન ગીરીશભાઈ શાહે પાલિકાના ચીફ ઓફિસર વિનય ડામોરને આવેદનપત્ર પાઠવી મંદિરો નજીક ચાલતી ચીકન શોપને હટાવી કોઈને નડતરરૂપ નહીં હોય તેવી જગ્યાએ ખસેડવાની માગણી કરી છે.

તેમના જણાવ્યા મુજબ અંબિકા નદીના પુલ નજીક આવેલ ચોસઠ જોગાણી માતાના મંદિર પાસેની પાલિકાની ભાડાપટ્ટે આપેલી દુકાનોમાં ખુલ્લામાં ત્રણથી ચાર દુકાનોમાં વેચાણ થતું ચિકન બંધ કરાવવું અને આવી ચીકન શોપને અન્ય જગ્યાએ સ્થળાંતર કરાવવી, વધુમાં શહેરભરમાં ઠેર-ઠેર ચાલતી નોનવેજને ખુલ્લામાં કોલસાની સગડી ઉપર વાનગીઓ બનાવી જાહેરમાં વેચાણ કરવામાં આવે છે.

જેમાં કોઈપણ સરકારી નિયમનું પાલન થતું નથી. સગડીના ધુમાડા અને તેમાંથી નીકળતી દુર્ગંધથી રાહદારીઓ અને આજુબાજુ રહેતા લોકોને મોટી પરેશાની સામનો કરવો પડે છે, જેથી ખુલ્લામાં વેચાણ કરતી નોનવેજની દુકાનો અને રેસ્ટોરન્ટને શહેરની બહારના વિસ્તારમાં જાહેર હિતને ધ્યાને રાખી ખસેડવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...