બીલીમોરામાં ઓવરબ્રિજ લોકો માટે આશીર્વાદ સમાન બન્યો છે. ઓવરબ્રિજ લોકાર્પણ બાદ રેલવે વિભાગ દ્વારા તુરંત ફાટક કામ અર્થે બંધ કરી દેવામાં આવી છે. જેમાંથી ચાલવાની સુદ્ધાં જગ્યા રેલવેએ રાખી નથી, જેના કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ઓવરબ્રિજ બન્યા બાદ બ્રિજ ઉપરથી ઉતરતા વાહનો બેફામ રીતે હંકારી રહ્યા છે, જેના કારણે અકસ્માત થવાની સંભાવના વધતી જઈ રહી છે. બસડેપો પાસે બહાર નીકળતા સમયે બસ ઓવરબ્રિજ ઉપર જઈ રહી હોય અને ઉપરથી કોઈ વાહન ચાલકો બેફામ રીતે ઓવરબ્રિજ ઉતરી રહ્યા હોય ત્યારે અકસ્માતની શકયતા વધી જતી હોય છે.
એજ રીતે ખાડા માર્કેટ પાસે પણ વાહન ચાલકો બેફામ રીતે ઓવરબ્રિજ ચઢી ઉતરી રહ્યા છે. સાઈડ પરથી કોઈ આવતું હોય તે રાહદારી કે વાહનચાલકોને અડફેટે લેવાની શકયતા વધી જતી હોય છે. જેથી ઓવરબ્રિજ પાસે બમ્પર મુકવાની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે. વધુમાં ઓવરબ્રિજ પર ત્રણ રસ્તા પડે છે ત્યાં એક નાનું સર્કલ બનાવવામાં આવે જેના કારણે વાહનચાલકો પોતાના માર્ગે વળી શકે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.
અંડરપાસમાંથી નીકળતા વાહનોને ઓવરબ્રિજ પરથી આવતા વાહનો નજરે નહીં ચડતા અકસ્માત નોતરી શકે છે. આ બમ્પર બનાવામાં આવે તો વાહનોની ગતિ થોડી ઘટી અકસ્માત નિવારી શકાશે. ઓવરબ્રિજ લોકો માટે હાલ હવાખાવાનું સ્થળ બની ગયું છે. જ્યાં લોકો પરિવાર સાથે આવી હવા ખાઈ રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.