કાર્યવાહી:બીલીમોરામાં નિવૃત્ત બેંક કર્મીના ઘરે ચોરી કરનાર બે તસ્કર ઝબ્બે

બીલીમોરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટમાં રજૂ કરતા બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

બીલીમોરા ગૌહરબાગમ રહેતા નિવૃત્ત બેંક કર્મચારીને ધાપ મારી બંધ ઘરમાંથી 1.10 લાખ રોકડા ચોરી જનારા બે તસ્કરને નવસારી એલસીબીએ ઝડપી પાડ્યા હતા. જેને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

બીલીમોરા ગૌહરબાગ રાજવી કોમ્પ્લેક્સમાં બીજા માળે રહેતા રાજેન્દ્ર દેવીદાસ નાયક (ઉ.વ. 65) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત કર્મચારીના બંધ ઘરમાં પ્રવેશીને જેમાં ઘરવપરાશ અને બેંકમાં ભરવા મુકેલા રૂ. 1.10 લાખ રોકડ ચોરી જતા બીલીમોરામાં ફરિયાદ નોંધાઇ હતી.

ડીએસપી ઋષિકેશ ઉપાધ્યાયની જરૂરી સૂચના અને માર્ગદર્શન આધારે નવસારી એલસીબી પીઆઈ ડી.એસ.કોરાટ, એલસીબી પીએસઆઇ એ.આર.સૂર્યવંશી, પીએસઆઇ એસ.ટી.પારગી તથા સ્ટાફે તસ્કરોને શોધી કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

પોકો મહેશભાઇ રામજીભાઇ અને સંદિપભાઇ પીઠાભાઇએ ગુનાના સ્થળે ગુના સમયે હાજર શંકાસ્પદ મોબાઇલ નંબરોનું એનાલિસિસ કરી તથા ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથ ધરી હતી.

સીસીટીવી ફૂટેજના આધારે રાજા રમેશ રાજભર (ઉ.વ. 21, મોગરાવાડી, હનુમાન ફળિયા, વલસાડ) અને આકાશ મંડલ (ઉ.વ. 20, રહે. દેવખોપગામ, શેલવાલી, તા.જિ. પાલઘર, મુંબઇ)ને બીલીમોરા જીઆઇડીસી ત્રણ રસ્તા પાસે ગુનામાં વાપરેલી સ્વીફટ કાર (નં. MH-01-AC-7223) સાથે ઝડપી પાડી પૂછતાછ કરતા તેમણે ગુનો કબૂલી લીધો હતો.

પોલીસે બન્ને આરોપીની અટક કરી બીલીમોરા પોલીસને સોંપ્યા હતા. પોલીસે કાર કિંમત રૂ.1 લાખ, બે મોબાઇલ ફોન રૂ. 15 હજાર મળી રૂ. 1.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બન્ને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...