પરિવાર શોકમગ્ન:તલોધમાં મુંબઇથી ફરવા આવેલા બે પિતરાઇ ભાઇના નદીમાં ડૂબતા મોત

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વર્ષની ઉજવણી કરવા આવેલા મુંબઇનું પરિવાર શોકમગ્ન થયું

બીલીમોરા નજીકના તલોધ ગામે નવા વર્ષની ઉજવણીમાં મુંબઇથી આવેલ બે પિતરાઈ ભાઈઓ તલોધ ગામે રેલવે પુલ નજીકથી વહેતી અંબિકા નદીમાં નાહવા જતા ડૂબી જવાથી બંને ભાઈના મોત નિપજ્યાં હતા. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોક વ્યાપ્યો હતો. બંને પરિવારે દીકરા ગુમાવતા પરિવાર પર વજ્રઘાત થયો હતો.

બીલીમોરા નજીકના તલોધ ગામે ગજાનંદ સોસાયટીમાં દિવાળીની ઉજવણી કરવા મુંબઈથી આવેલા બે સગી બહેનોના પરિવાર માટે ગોઝારું નીવડ્યું હતું. નવા વર્ષનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. આ ઘટનામાં તલોધના અરવિંદભાઈ છગનભાઈ પટેલની બે પુત્રીઓ જેમાં એક પુત્રી ધનલક્ષ્મીબેનના લગ્ન મુંબઇ મનોજ માંડલ સાથે થયા હતા. જેમને બે બાળકો હતા, જેમાં 14 વર્ષનો પુત્ર મિતેશ અને એક પુત્રી છે. જ્યારે અરવિંદભાઈની બીજી પુત્રી ઉઝમાબેનના લગ્ન જોહાન મહેબુબ શેખ સાથે થયા હતા જેને બે બાળકો છે, જેમાં એક પુત્ર જીયાન શેખ (ઉ.વ. 13) અને બીજો પણ પુત્ર છે. તેઓ તલોધમાં રહેતા નાના અરવિંદ છગનભાઈ પટેલને ત્યાં દિવાળીની રજા માણવા આવ્યા હતા. દરમિયાન જીયાન શેખ (13) અને તેનો પિતરાઈ ભાઈ મિતેશ મંડળ (14) નવા વર્ષના દિવસે બુધવારે બપોરે તલોધ ગામે ઘરેથી જમીને મેળો જોવા નીકળ્યા હતા. જ્યાં તેઓ બંને તલોધ નજીકની અંબિકા નદી રેલવે પુલ પાસે નાહવા ગયા હતા પરંતુ બંને જણા નદીના વહેણમાં ઊંડા પાણીમાં ગરક થતાં કમનસીબે બંને માસૂમનું ડૂબી જતા મોત નીપજ્યાં હતા.

બંને પુત્રો મોડી સાંજ સુધી ઘરે નહીં આવતા પરિવારે શોધખોળ કરતા માલુમ પડ્યું હતું કે, બંને છોકરાઓ નદીમાં નાહવા જવાનું કહેતા હતા જેથી પરિવારમાં ધ્રાસકો પડ્યો હતો. પરિવારે ગામલોકોની મદદથી શોધખોળ આરંભી હતી અને નદીના પાણીમાં ગ્રામજનો સાથે બીલીમોરા ફાયરના જવાનો પણ બુધવારથી અંબિકા નદીમાં ગુમ થયેલા બંને તરુણોની શોધખોળ આરંભી હતી. ગુરુવારે એક પુત્રનો મૃતદેહ પાલિકાની ડમ્પિંગ સાઈટ નજીકથી અને બીજા પુત્રનો મૃતદેહ આમલી ફળિયાથી મળી આવ્યો હતો. બંને પુત્રોનું પાણીમાં ડુબી જતા મોત થયાં હતાં. બંને માસુમના મૃતદેહ જોઈને પરિવાર અને તેઓની માતાએ હૈયાફાટ રુદન કરી મુક્તા સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી હતી. બે બાળકોના મોતથી પરિવારમાં ભારે માતમ છવાયો હતો. બીલીમોરા પોલીસે અકસ્માત મોત નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...