કાર્યવાહી:બીલીમોરાના પોંસરી પાસે ખાણખનીજ વિભાગના અધિકારીઓ ઉપર હુમલો કરનારા ત્રણ ઝડપાયા

બીલીમોરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાણ ખનીજ વિભાગની ટીમ વાહનો કબજે કરી આગળ વધી રહી હતી ત્યારે હુમલો કરી છોડાવી ગયા હતા

બીલીમોરા નજીકના પોંસરી ગામે ખાણખનીજ વિભાગના અધિકારીઓ ઉપર ખાણખનીજ અંગેની તપાસણી દરમિયાન પાસ પરમીટ વગરની ટ્રક કબજે લેતા રેતી માફિયાઓએ હુમલો કરી પલાયન થયા હતા. જેમાં રેતી ભરેલી ટ્રક લઈ જનારા ત્રણને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી લીધા હતા. પોલીસે આ સાથે બે કાર અને મોબાઇલ ફોન કબજે કર્યો હતો.

બીલીમોરા નજીક કોસ્ટલ હાઇવે પર ત્રણ બીગરી-પોંસરી ગામે જિલ્લા ખાણ ખનીજ ટીમે તેમને મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. જ્યાં તપાસ કરતા અધિકારીઓએ રેતી ભરેલી શંકાસ્પદ ટ્રકો ઝડપી હતી. જે બાદ ઝડપેલી ટ્રકોને નજીકના ધોલાઈ મરીન પોલીસ મથકે મૂકી આ ઘટનાની કાર્યવાહી કરવા લઈ જવાઇ રહી હતી.

જ્યાં બીગરી પોંસરી નજીક બે કારમાં સવાર થઈ આવેલા રેતી માફિયાઓએ ટ્રક લઈ પોલીસ મથકે જતા અધિકારીઓ સાથે દાદાગીરી કરી તેમને માર મારી તેમનો મોબાઈલ ઝૂંટવી અધિકારીઓએ ગેરકાયદેસર રેતીનું વહન કરતી ઝડપેલી ટ્રકો લઈ ફરાર થઇ ગયા હતા.

આ બાબતે સમગ્ર મામલે ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર પરેશ નારણભાઈ સોલંકી (ઉ.વ. 29, જુનાથાણા, નવસારી)એ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને પગલે ગણતરીના સમયમાં આરોપી શૈલેષ દલપતભાઈ ઓડ (ઉ.વ. 42), પ્રવિણ રમણભાઈ ઓડ (ઉ.વ. 33, બન્ને રહે. ઓડનગર, બીલીમોરા) અને જીતુ રવજીભાઈ ઓડ (ઉ.વ. 38, રહે. ઘાંચીવાડ, ગણદેવી)ની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.

પોલીસે તેમની પાસેથી જે કારમાં તેઓ આવ્યા હતા તે ગુનામાં વપરાયેલી બ્રીઝા કાર (નં. જીજે-21-બીસી-0044, કિંમત રૂ. 7 લાખ)ની અને સફેદ રંગની વેન્યુ કાર (નં. જીજે-21- સીસી-2139, કિંમત રૂ. 5 લાખ)ની તેમજ ઝૂંટવી લેવાયેલો મોબાઈલ કિંમત રૂ. 5 હજાર મળી રૂ. 12.5 લાખનો મુદ્દામાલ કબજે લઇ તમામને જેલમાં ધકેલી દીધા હતા. બીલીમોરા પીએસઆઇ ડી.આર.પઢેરીયાની ત્વરિત કાર્યવાહીથી રેત માફિયામાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...