પાલિકા ઘોર નિંદ્રામાં:અમૃતનગરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય

બીલીમોરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહીશોની ફરિયાદ બાદ પણ કોઈ કામ નહીં કરાતા રોષ

બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા અમૃતનગરમાં છેલ્લા કેટલાય સમયથી મોહલ્લામાં સાફસફાઈ નહીં કરાતા તેમજ ઉભરાતી ગટરના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. રહીશોની વારંવારની લેખિત અને મૌખિક રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી નહીં કરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

બીલીમોરા પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર-2મા ગાયકવાડ મિલ ચાલ પાસે આવેલા અમૃતનગરના રહીશોએ પાલિકામાં રજૂઆત કરી છે કે, છેલ્લા કેટલાય સમયથી આ સોસાયટીમાં ભારે ગંદકી ફેલાયેલી જોવા મળે છે. રહીશોના જણાવ્યાનુસાર સફાઈ નહીં કરવામાં આવતા હોવાથી ઘણી જગ્યાએ કચરો ફેલાયેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ ગટરની પણ સાફસફાઈ કરવામાં આવતી નથી. જેના કારણે ગટરો ઉભરાઈ રહી હોવાનું પણ રહીશો જણાવી રહ્યાં છે.

કાદવ કીચડ અને ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાનો ડર પણ રહેલો છે. અમૃતનગરના સ્થાનિક મહેન્દ્ર સોસાએ જણાવ્યું હતું કે, પાલિકાના સભ્યોને અને પાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. આમ છતાં હજુ સુધી અમૃતનગરમાં ગટર સફાઈ અંગે પણ કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. વહેલી તકે અમૃતનગરના રહીશોની આ તકલીફ દૂર થાય તે માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...