તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:બીલીમોરામાં ફૂટવેરની દુકાનમાંથી 5 લાખની ચોરી

બીલીમોરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો દુકાનમાંથી બૂટ-ચંપલ અને અન્ય મુદ્દામાલ લઇ ભાગી છૂટ્યા

બીલીમોરા ગંગામાતા મંદિર પાસે આવેલ જૂની નગરપાલિકાની બિલ્ડીંગના શોપિંગ સેન્ટરમાં આવેલ ફૂટવેરની દુકાનમાં ગત મોડી રાત્રે તસ્કરો શટરનું લોક કાપી 5 લાખથી વધુની બુટ તેમજ કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત મુદ્દામાલ ચોરી કરી પલાયન થયાં હતા. જોકે સમગ્ર ઘટના સીસી કેમેરામા કેદ થઈ હતી. આ ચોરીની ઘટનામાં આ ફૂટવેરની દુકાનનો વડોદરા રહેતો એક પાર્ટનર જ સામેલ હોવાની આશંકા ફરિયાદીએ બીલીમોરા પોલીસને આપેલ અરજીમાં કરી છે.

આંતલિયા, જીઆઇડીસીમાં રહેતા જીત અશોકભાઈ પટેલ તથા વડોદરા રહેતા દીપ પંકજભાઈ દેસાઈએ ગત 8મી નવેમ્બર 2020ના રોજ ટુ બ્રધર્સ નામની ફુટવેરની ભાગીદારીમાં દુકાન બીલીમોરા જૂની નગરપાલિકા કચેરી ગંગા માતા મંદિર સામે પાલિકાના શોપિંગ સેન્ટરમાં શરૂ કરી હતી. જે દુકાનમાં મંગળવારની મોડી રાત્રિએ તસ્કરોએ ખાતર પાડ્યું હતું. જેમાં ત્રણ તસ્કર રાત્રિન અંદાજીત દોઢ વાગ્યાના અરસામાં એક ગાડીમાં આવી તેમાંથી ઉતર્યા હતા. દુકાન સામે ગાડી ઉભી કરી દુકાનનું શટરનું લોક કટરથી કાપી દુકાનમાંથી બૂટ-ચંપલ, એક કમ્પ્યૂટર, બે પ્રિન્ટર, લાઇટિંગ, સીસીટીવી કેમેરો સહિતનો માલસામાન ભરી પલાયન થયાં હતાં. દુકાનના માલિક જીત પટેલે બુધવાર સવારે દુકાન પર આવી જોતા સમગ્ર ઘટના સામે આવી હતી.

ચોરોની આ કરતુત નજીકમાં એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમરામાં કેદ થઈ હતી. જેમાં ગાડી આવવાથી લઈ ચોરોએ ગાડીમાં મુદ્દામાલ ભરી પલાયન થયા હોય તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ બાબતે જીત પટેલે બીલીમોરા પોલીસમાં અરજી ફરિયાદ કરી ઘટનાની જાણ બીલીમોરા પોલીસમાં કરી હતી. જેમાં જીતે જણાવ્યું હતું કે, સવારે રાબેતા મુજબ જીત પટેલ દુકાને આવતાં તેમણે શટર તૂટેલું જોયું અને અંદરનો તમામ સામાન ગાયબ હતો. તે સાથે બે નંગ પ્રિન્ટર, કમ્પ્યૂટર, લાઇટિંગ અને સીસીટીવીનો 1 નંબરનો કેમેરો મળી રૂ.5 લાખથી વધુનો માલસામાન સાથે તમામ વસ્તુ ચોરાયેલ હોવાનું જણાવ્યું હતું.

પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી. આ ઘટનામાં જીત પટેલે પોલીસમાં આપેલ અરજીમાં સીસીટીવીના ફૂટેજ જોતા તેની દુકાનના ભાગીદાર દીપ દેસાઈ આ ચોરીમાં સામેલ હોવાની આશંકા વ્યક્ત કરી છે. જે આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...