બીલીમોરા નજીકના વાઘરેચ ગામે કાવેરી નદી પર રૂ. 250 કરોડના ખર્ચે બનનારા વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર રિચાર્જ પ્રોજેકટનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત તેમજ બીલીમોરા શહેરના લોકો માટેનો પ્રાણપ્રશ્ન એવા 55 કરોડના ખર્ચે બનેલા બીલીમોરા રેલવે ઓવરબ્રિજનું પણ મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું હતું. આ ટાઇડલ ડેમના કારણે કાંઠા વિસ્તારના અનેક ગામોનો પાણીનો પ્રશ્ન હલ થશે તેમજ બીલીમોરા વરસાદમાં પૂર્વ-પશ્ચિમ વિસ્તારની ટ્રાફિકની હાલાકી દૂર થશે. જોકે મુખ્યમંત્રી મોડા આવવાના કારણે લોકો કાર્યક્રમ છોડી જતા દેખાયા હતા.
બીલીમોરા નજીકના કાંઠા વિસ્તારના ગામો માટે આશીર્વાદ સમાન રૂ. 250 કરોડના ખર્ચે આકાર પામનાર વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેકટ જે કાંઠા વિસ્તારના 11 ગામ માટે આશીર્વાદ સમાન છે. તે ટાઇડલ ડેમનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત જળસમૃદ્ધ નદીઓ ધરાવતો વિસ્તાર છે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ ખારાશને કારણે ‘પાસે કૂવો છતાં તરસ્યા’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ સમસ્યા સામે લડવા આ ટાઈડલ ડેમ આશીર્વાદરૂપ બનશે. આ વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર યોજના આ વિસ્તારના લોકો માટે ખુબજ લાભદાયક બનશે. ચોમાસામાં કાવેરી નદીનું વરસાદી પાણી નકામું દરિયામાં વહી જાય છે. બીલીમોરા શહેર દરિયાકિનારા નજીક હોવાના કારણે દરિયાની ભરતીનું ખારું પાણી કાવેરી નદીમાં પ્રવેશવાને કારણે બીલીમોરા નજીક નદીના અને આસપાસના વિસ્તારના બોર/કૂવામાં પાણી ખારા થઈ ગયા છે, જે ઘરવપરાશ, સિંચાઇ કે અન્ય વપરાશમાં લઇ શકાતું નથી.
આ ટાઇડલ ડેમ યોજના થકી કાંઠા વિસ્તારના લોકોની પાણીની સમસ્યાનું નિવારણ થશે. વાઘરેચ ગામે કાવેરી નદી અંબિકા નદીને મળે છે તે પહેલાં બીલીમોરા- વલસાડ કોસ્ટલ હાઇવેની હેઠવાસમાં વાઘરેચ ગામ પાસે કાવેરી નદી પર વાઘરેચ ટાઇડલ ડેમ બનાવવામાં આવશે. આ યોજનામાં કાવેરી નદી પર 16 દરવાજાવાળુ વિયર પ્રકારનું સ્ટ્રકચર બનાવવાનું તથા નદીના બન્ને કિનારે પૂરથી સરંક્ષણ માટે કુલ 8380 મીટર લંબાઇમાં હયાત પાળા મજબુતીકરણ તથા નવા પાળા અને દિવાલોનું બાંધકામ કરવામાં આવશે. ચોમાસામાં પાણી નિકાલ તથા સિંચાઇ વ્યવસ્થા માટે વિવિધ સ્ટ્રકચરોનું બાંધકામ કરવામાં આવશે.
યોજનાના કારણે બીલીમોરા શહેર અને આસપાસના 11 ગામોને પીવા માટે મીઠા પાણી અને અંદાજે 3458 એકર જમીનને સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ થશે.કાવેરી નદીમાં 13 કિ.મી અને ખરેરા નદીમાં 5 કિ.મી. લંબાઇમાં મીઠા પાણીનો સંગ્રહ થશે. ભુગર્ભ જળ રિચાર્જ થતાં ભૂગર્ભ જળની સપાટી ઉંચી આવશે. દરિયાની ભરતીના પાણી નદીમાં પ્રવેશતાં અટકશે, જેના લીધે સપાટી પરની તેમજ ભૂગર્ભ જળની ખારાશ ઘટશે અને ખેતીલાયક ફળદ્રુપ જમીનને નુકસાન થતું અટકશે તેમજ જુની ખરેરા નદી પુનઃ જીવિત થશે.
મુખ્યમંત્રી દોઢ કલાક મોડા આવતા લોકોએ ચાલતી પકડી
વાઘરેચ ટાઇડલ ડેમના લોકાર્પણમાં મુખ્યમંત્રી દોઢ કલાક મોડા આવતા કાર્યક્રમમાં આવેલા લોકો પાછળથી ચાલતી પકડતા દેખાયા હતા. જેને ચાલી જતા અટકાવવા માટે કાર્યકરો કામે લાગ્યા હતા. કાર્યક્રમમાં લોકોને લાવવા લઈ જવા હાજર રાખવા ઢગલાબંધ બસો ફાળવતા રોજિંદા મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ડેમથી આ ગામોને લાભ થશે
આ ટાઇડલ ડેમથી બીલીમોરા, વાઘરેચ, ગોયંદી-ભાઠલા, દેસરા, આંતલિયા, વંકાલ, ઘેકટી, ઊંડાચ લુહાર ફળિયા, ઉંડાચ વાણિયા ફળિયા, ખાપરવાડા, વાસણ સહિત બીજા ગામોને સીધેસીધો લાભ મળશે.
કાર્યક્રમની સાથે સાથે..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.