હાલાકી:બીલીમોરા જે.જે.મહેતા પાસેનો સર્વિસ રોડ બિસમાર બનતા હાલાકી

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીલીમોરા શહેરથી ગણદેવી જવાનો આ મુખ્ય માર્ગ છે

બીલીમોરા જે.જે. મહેતા પાસેનો સર્વિસ રોડ બિસમાર બનતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. બીલીમોરામાં આર એન્ડ બી વિભાગ દ્વારા બની રહેલા રેલવે ઓવર બ્રિજની કામગીરી માટે આર એન્ડ બી વિભાગે આ માટે બસ ડેપોની બાજુમાં આવેલ પેટ્રોલ પંપથી ફીડર રોડ સુધીનો માર્ગ અડધો બંધ કરવામાં આવ્યો છે અને બાકીનો અડધો માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. આ અડધા માર્ગનો જ ચાલકો ઉપયોગ કરી શકે છે ત્યારે આ ઉપયોગમાં લેવામાં આવી રહેલા અડધો માર્ગની હાલત બદતર છે.

જેમાં ત્રિવેણી સોસાયટી પાસે અને જે.જે.મહેતા હાઈસ્કૂલ પાસેનો માર્ગ પર પડેલ ખાડાને કારણે લોકોના વાહન ખાડામાં પટકાય છે. જવેર જીવણ હાઈસ્કૂલ પાસે પણ ખાડાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. હાલ વરસાદને કારણે આ અડધા માર્ગ પર જે.જે. મહેતા હાઈસ્કૂલ પાસે પાણી ભરાવાના કારણે આ માર્ગ બિસમાર બની ગયો છે. સાંકડો માર્ગ હોવાના કારણે બે મોટા વાહનો સામસામે આવી જાય તો ટ્રાફિક જામની સમસ્યાનો પણ લોકોએ સામનો કરવો પડી રહ્યો છે.

આ ઓવરબ્રિજની કામગીરી ધીમી હોય લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. હાલ આ માર્ગ પરના ખાડા પુરવા માટે માટી કપચી નાખવામાં આવી છે, જે પરત નીકળી જતા વાહન ચાલકો સાથે રાહદારીઓને પણ ભારે તકલીફ પડી રહી છે. બીલીમોરા શહેરથી ગણદેવી જવાનો આ એક મુખ્ય માર્ગ છે. હાલ આ માર્ગ પર ઓવરબ્રિજની કામગીરીને કારણે અડધો બંધ કરી દેવાયો છે.

આ માર્ગ પરથી નાના વાહન ચાલકો પસાર થાય છે તેમજ બીલીમોરા સરદાર માર્કેટ તરફ જતો ફીડર રોડ ખરાબ હોય લોકો ત્રાસી ગયા છે. લાંબા સમય સુધી ચાલનારી આ કામગીરીના કારણે લોકોને થોડી ઓછી મુશ્કેલી પડે તે જોવું વહીવટી તંત્રનું કામ છે. હાલ વપરાશમાં આવી રહેલા આ અડધો માર્ગ પરની મુશ્કેલી વહેલી તકે દૂર થાય જેથી વાહન ચાલકોને ઓછી પરેશાનીનો સામનો કરવો પડે તેવી લોકો લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...