તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોખમ ટાળવા કાર્યવાહી:ગણદેવીના 28 ગામમાં પૂર સ્થિતિને ટાળવા બીલીમોરા દેવધા ડેમના બાકી રહેલા 20 દરવાજા પણ ખોલી દેવાયા

બીલીમોરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેમમાં 6.40 મિલયન ક્યુબીક મીટર જેટલું શુદ્ધ જળ સંગ્રહિત થાય છે

દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે જોર પકડ્યું છે ત્યારે ગણદેવીના ગામોની જીવાદોરી સમાન બીલીમોરા અંબિકા નદી ઉપર દેવધા ડેમમાં પાણીનો આવરો આવ્યો હતો. વરસાદનું જોર વધે તે સમયે ડેમના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના પૂર ફરી વળવાની સંભાવના ઉભી થઈ હતી. જેને પગલે દેવધા ડેમના બાકીના 20 દરવાજા પણ ખોલી કઢાયા હતા. અઠવાડિયા અગાઉ જ ઉપરના 20 દરવાજા ખોલાયા હતા. બાકીના 20 દરવાજા ખોલી દેવાતા અંદાજીત 2.5 એમસીએમ (25 હજાર લાખ લીટર) જેટલું વરસાદી પાણી દરિયામાં વહી ગયું હતું.

ગણદેવી તાલુકાના ગામોના લોકોની પાણીની સમસ્યા હલ કરવા દેવધા અંબિકા નદી પર દેવધા ડેમ બાંધવામાં આવ્યો હતો. રૂ. 19 કરોડના ખર્ચે વર્ષ-2002માં દેવધા દેવ બાંધવામાં આવ્યો હતો. 5 મીટર પહોળા અને 500 મીટર લાંબાઆ ડેમમાં એક-એક મીટરની ઉંચાઈ ધરાવતા ઉપર 20 અને નીચે 20 એમ 40 દરવાજા ફીટ કરાયા હતા. જેને કારણે ડેમમાં 6.40 મિલયન ક્યુબીક મીટર જેટલો વિશાળ શુદ્ધ જળભંડાર સંગ્રહિત થાય છે. ડેમના દરવાજા દર વર્ષે 15મી જૂન પછી ખોલી દેવામાં આવે છે.

જે મુજબ આ વખતે વરસાદને ધ્યાને લઇ ગત શુક્રવારે 18મી જૂને ખોલી દેવામાં આવ્યા હતા. જેના સપ્તાહ બાદ ફરી શુક્રવાર સવારે બાકીના વધુ 20 દરવાજા ખોલી દેવાતા તમામ ઉપર નીચેના 40 દરવાજા ખોલી દેવાયા છે. ગણદેવી તાલુકામાં હાલ સુધી મોસમનો 12 ઇંચ (300 મિમી) વરસાદ વરસ્યો છે તેમજ ઉપરવાસમાં વરસેલા વરસાદી પાણીનો આવરો આવતા અંબિકા નદીની જળ સપાટી ક્રમશઃ વધી રહી હતી. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પૂર સંકટની સંભાવના વધી હતી. દેવધા ડેમ છલકાતાં 63 હજાર લાખ લીટર જેટલું મીઠું પાણી જમા થયું હતું.

દરમિયાન ભારે વરસાદની આગાહી બાદ ગણદેવી તાલુકાના હેઠવાસનાં 28 જેટલા ગામમાં પૂર સ્થિતિને ટાળવા આ દરવાજા ખોલી દેવાયા છે. જેના કારણે દેવધા ડેમમાં સંગ્રહિત લાખો લીટર પાણી વહી ગયું હતું. અગાઉ પણ 20 જેટલા દરવાજા ખોલી દેવાતા પાણી દરિયામાં વહી ગયું હતું. પરિણામે અંબિકા નદીની જળ સપાટી ઘટીને 2.67 મીટર સુધી નીચે આવી ગઇ હતી. અંબિકા નદીના દેવધા ડેમમાં હાલ 10 હજાર લાખ લીટર શુદ્ધ પાણીનો જળસંગ્રહ રહે છે.

અન્ય સમાચારો પણ છે...