બીલીમોરા પાલિકા વિસ્તારમાં ઘણી બિલ્ડિંગની આકારણી થઈ નહીં હોવાથી તેવી બિલ્ડીંગોને કાયદેસરની માન્યતા મળી હોય નહીં. પાલિકાની કારોબારી સમિતિ દ્વારા કારોબારી સમિતિના ગત 14મી જૂન 2021ના ઠરાવ નંબર 46/3132થી ઠરાવવામાં આવ્યું હતું કે, બીલીમોરા વિસ્તારમાં આવેલા આકારણી વિનાના મકાનો, બિલ્ડીંગો, દુકાનો વગેરેની આકારણી કરી તેના વેરા લાગુ અને વસૂલાત કરવાની સત્તા કારોબારી સમિતિના અધ્યક્ષ અને ચીફ ઓફિસરને આપવામાં આવી હતી.
આ ઠરાવનો વિરોધ કરતા નગરપાલિકા ચીફ ઓફિસરે આકારણી વિનાના મકાનો, બિલ્ડીંગો, દુકાનો વગેરેની આકારણી કરવાની સત્તા નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ-105 મુજબ ચીફ ઓફિસરને જ હોવાનું જણાવ્યું હતું. આ અંગે બીલીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસર વિનય ડામોરે સુરત સ્થિત પ્રાદેશિક નિયામક નગરપાલિકાના દક્ષિણ ઝોનના પ્રાદેશિક કમિશ્નર અરવિંદ વિજય સમક્ષ 29મી જુલાઈ 2021એ ગુજરાત નગરપાલિકા ના અધિનિયમ 1963ની કલમ 258(1) મુજબ પાલિકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને કારોબારી સભ્યો વિરુદ્ધમાં અરજી કરી કારોબારી સમિતિના આકારણી અંગેના ઠરાવને પડકારી તે અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
નગરપાલિકાના ચીફ ઓફિસરની અરજીને પગલે પ્રાદેશિક કમિશ્નરે બીલીમોરા નગરપાલિકા પ્રમુખ, કારોબારી સમિતિના અધ્યક્ષ અને કારોબારી સમિતિના સભ્યોને આ બાબતે નોટિસ પાઠવી 10મી ઓગસ્ટે હાજર રહેવા તેડાવ્યાં હતા. નોટિસમાં જણાવ્યા મુજબ આ કેસનો અંતિમ ચૂકાદો નહીં આવે ત્યાં સુધી કારોબારી સમિતિના આકારણી અંગેના કરવામાં આવેલ ઠરાવને મોકૂફ રાખવાનો હુકમ કરી ચીફ ઓફિસરની અરજી મંજૂર કરી હતી તેમજ કોઈપણ પ્રકારની કાર્યવાહી ગેરકાયદેસર બાંધકામની આકારણી નહીં કરવાનો આદેશ કર્યો હતો.
પાલીકા સત્તાધિશો અને ચીફ ઓફિસરનો આકારણી અંગેનો વિવાદ ચરમસપાટીએ પહોંચ્યો છે. જોકે પ્રથમ તારીખમાં નોટિસ ધારકોએ પ્રાદેશિક કમિશ્નર સમક્ષ વકીલાતનામું રજૂ કરી સમય માંગતા કમિશ્નરે આગામી 27મી ઓગસ્ટ 2021 આપી છે ત્યારે હવે આગામી તારીખે શું કાર્યવાહી હાથ ધરાશે તે જોવું રહ્યું.
પાલિકાના આ સભ્યોને નોટિસ પાઠવાઇ છે
બીલીમોરા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા પ્રાદેશિક નિયામકમાં કારોબારી સમિતિના ઠરાવ બાબતે કરેલી અરજી હેઠળ પ્રાદેશિક કમિશ્નરે પાલિકા પ્રમુખ વિપુલા મિસ્ત્રી, કારોબારી સમિતિના ચેરમેન સુચેતા દુસાણે તેમજ કારોબારી સમિતિના સભ્યો મનિષ નાયક, યુસુફ મેમણ, રમીલા ભાદરકા, કલ્પના પટેલ, સુમનલતા વર્મા, મનિષ પટેલ, અનુપમા પરમાર અને મનિષા પટેલ સામે નોટિસ કાઢી હાજર રહેવા ફરમાન કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.