કુતુહૂલ:બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનની અંતિમ સફર, ગાયકવાડ મહારાજના પ્રપૌત્રએ નારાજગી દર્શાવી

બીલીમોરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 8 માસથી બંધ વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ કરવાના નિર્ણય બાદ ઉનાઈ સ્ટેશને આવતા લોકોમાં કુતુહૂલ સર્જાયું
  • હેરિટેજ ટ્રેનનો દરજ્જો મળ્યો હોવાથી ટ્રેન બંધ થઈ ન શકે એવી લોકોમાં અટકળો શરૂ થઈ, વારસો બચાવવા લડત અપાશે

કેન્દ્ર સરકારના રેલ મંત્રાલય દ્વારા ગુરૂવારે બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન સહિત કુલ 11 નેરોગેજ લાઈન પર દોડતી ટ્રેન નિભાવવાનો ખર્ચ વધુ આવતો હોય અને પરવડતી ન હોય બંધ કરવામાં આવી હતી. જોકે શુક્રવારે સવારે અધિકારીઓને લઈ બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન ઉનાઈ આવી હતી. જોકે અધિકારીઓએ આ માત્ર રૂટિન કામ હોવાનું જણાવ્યું હતું. ટ્રેન જાણે અંતિમ વાર પાટે દોડી હોય તેમ લોકો કુતુહૂલવશ જોવા ઉમટ્યા હતા.

બીલીમોરા-વઘઇ વચ્ચે દોડતી નેરોગેજ ટ્રેન હવે ઇતિહાસ બની જશે. કેન્દ્ર સરકારના રેલ મંત્રાલય દ્વારા આ હેરિટેજ ગણાતી બીલીમોરા- વઘઇ નેરોગેજ ટ્રેન સહિત 11 નેરોગેજ લાઈન બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ ટ્રેન આદિવાસી વિસ્તારને શહેરી વિસ્તાર સાથે જોડવા તેમજ વેપાર-ધંધા અર્થે શરૂ કરવામાં આવી હતી. તેના રખરખાવ નિભાવણી સામે આર્થિક ઉપાર્જન ઓછું હોય તેને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરમિયાન શુક્રવારે સવારે રેલવેના અધિકારીઓને લઈ આ ટ્રેન ઉનાઈ આવી હતી ત્યારે જાણે અંતિમવાર આ ટ્રેન પાટા ઉપર દોડી રહી હોય તેમ લોકો કુતુહૂલવશ જોવા ઉમટ્યા હતા. ટ્રેન સવારે ઉનાઈ પહોંચતાં લોકો તેને જોવા પહોંચ્યા હતાં. જોકે આ નેરોગેજ ટ્રેન બાબતે પૂછતાં અધિકારીએ જવાબ આપવાનું ટાળ્યું હતું અને આ અમારી રૂટિન કામગીરી હોવાનું જણાવ્યું હતું. જોકે હેરિટેજનો દરજ્જો પામેલી આ ટ્રેન બંધ કરાતા લોકોમાં નારાજગી ફેલાઈ છે અને ટ્રેન બંધ નહીં કરવામાં આવે તેવી લોકો લાગણી વ્યક્ત કરી રહ્યા હતા.

8 માસથી બંધ વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેનને રેલવે તંત્ર દ્વારા બંધ કરવાના નિર્ણય વચ્ચે ઉનાઈ રેલવે સ્ટેશને શુક્રવારે ટ્રેન આવી પહોંચતા લોકોમાં કુતુહૂલ સહિત અનેક પ્રકારની અટકળો વહેતી થઈ હતી. કોરોના જેવી મહામારીને કારણે લોકડાઉનમાં તમામ ટ્રેનો બંધ કરવામાં આવી હતી. જેમાં ગાયકવાડી રાજના વખતની વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેન પણ બંધ કરવામાં આવી હતી. બાદમાં આ ટ્રેનને ખોટમાં ચાલતી હોવાના કારણે બંધ કરી દેવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા લેવાયો હોય એ અરસામાં શુક્રવારે ઉનાઈ રેલવે સ્ટેશને ટ્રેન આવી પહોંચતા લોકો ગાડીને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. ઘણાં લોકોને ગાડી ચાલુ થઈ ગઈ હોવાની આશ બંધાઈ હતી. અગાઉ પણ આ ટ્રેન બંધ કરવા રેલવે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવા બાદ રેલવે તંત્ર દ્વારા ગાડી પુનઃ ચાલુ કરવામાં આવી હતી. આદિવાસીઓ માટે જીવાદોરી સમાન આદિવાસી ગરીબ પ્રજાને આવાગમન માટે સસ્તી અને સરળ આ ટ્રેન બંધ કરવાના નિર્ણયથી લોકોમાં નિરાશા જોવા મળી હતી. ગાડી માત્ર ટ્રાયલ બેઝ પર શુક્રવારે પાટા પર દોડાવતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, તેથી વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ કરવાનો નિર્ણય કેટલો ઉચિત ગણાય.

બુલેટ ટ્રેન પાછળ કરોડોનો ખર્ચ, નેરોગેજનો ખર્ચ ભારે પડે છે
ડાંગ જિલ્લાને રેલવે લાઇન સાથે જોડતી બીલીમોરા-વઘઈ સહિત રાજ્યની કુલ 11 નેરોગેજ ટ્રેન કાયમ માટે બંધ કરવાના નિર્ણયની વઘઇના વેપારી મંડળને જાણ થતાં સરપંચ મોહનભાઈ ભોયે તથા બબલુભાઈ ઉર્ફ તરબેઝ અહેમદ સહિત વેપારી મંડળનાં સભ્યો વઘઇ રેલવે સ્ટેશને પહોંચી સ્ટેશન માસ્તરને મળ્યા હતા અને ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટે જીવાદોરી સમાન ઐતિહાસિક ટ્રેન બંધ ન થાય એ માટે પ્રયત્નો કરવા રજૂઆત કરી હતી. ડાંગનાં વેપારીઓનું કહેવુ છે કે દેશમાં અનેક રેલવે લાઈન ખોટ ખાઈને ચાલે છે તો એ તમામને બંધ કરી દેવાશે. ગુજરાતમાં એકતરફ કરોડોનાં ખર્ચે બુલેટ ટ્રેન દોડવવાની તૈયારી થતી હોય ત્યારે ઐતિહાસિક ધરોહર એવી અને વર્ષોથી ચાલતી આ નેરોગેજ ટ્રેનને પ્રવાસન વિભાગને સુપરત કરી ચાલુ રાખવામાં આવે તો લોકોને સુવિધા પણ મળી રહેશે અને સરકારને થતી ખોટ પણ પુરાઈ શકે છે. વઘઇનાં સરપંચ મોહનભાઈ ભોયેએ જણાવ્યું હતુ કે વઘઇથી બીલીમોરાને જોડતી નેરોગજ ટ્રેનને 114 વર્ષ જેટલા થઈ ગયા છે અને આ નેરોગજ ટ્રેન સ્થાનિકો માટે આશીર્વાદરૂપ સમાન હતી પરંતુ સરકાર દ્વારા અચાનક બંધ કરવાનો નિર્ણય લેવાતા મજૂરવર્ગને નુકસાન થયુ છે.

હેરિટેજ નેરોગેજ ટ્રેન બંધ કરવાના નિર્ણય સામે ગાયકવાડ મહારાજના પ્રપૌત્રએ નારાજગી દર્શાવી
રેલ મંત્રાલય દ્વારા સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન બંધ કરી દેવાતા ઐતિહાસિક ધરોહર સમી આ વિશિષ્ટ ટ્રેન ફરી શરૂ થાય તે માટેના પ્રયાસો સયાજીરાવ ગાયકવાડ મહારાજના પ્રપૌત્ર ભત્રીજા બહાદુર શ્રીમંત જીતેન્દ્રસિંઘ ગાયકવાડ દ્વારા હાથ ધરવામાં આવશે તેવું તેમણે વાતચીતમાં જણાવ્યું હતું. આ ટ્રેન હેરિટેજ જાહેર કરવામાં આવેલી છે, તેમ છતાં રેલ મંત્રાલય દ્વારા તેને બંધ કરી દેવાતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે હવે બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન પુનઃ શરૂ કરવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે એમ જણાવ્યું હતું. આ બાબતે તેમણે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ પોર્ન કન્ઝર્વેશન ઓફ આર્કિટેક્ચર એન્ડ કલ્ચર (INTACH) વિભાગના ફાલ્ગુની દેસાઈ અને હાથીભાઈનો સંપર્ક કર્યો હતો. જેમણે આ બાબતે યોગ્ય સરવેની કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું તેમજ નવસારીમાં સુધીર સુળે અને કેરસી દેબુનો પણ સંપર્ક કર્યો છે.

આવતા સપ્તાહથી ધરણાં પ્રદર્શન કરાશે
રેલવે સંઘર્ષ સમિતિ દ્વારા બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન બંધ કરવાના વિરોધમાં આવતા અઠવાડિયાથી ઉનાઈ, રાનકુવા, ચીખલી અને વઘઈ રેલવે સ્ટેશન પાસે ધરણાં પ્રદર્શન કરવામાં આવશે. - અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા

અન્ય સમાચારો પણ છે...